નવી દિલ્હી: સંસદમાં પેપર લીક રોકવા માટે લાવવામાં આવેલા એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને AK-47નો ઉપયોગથી લઈને નવા શિક્ષણ પ્રધાન સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. તેમણે વડા પ્રધાન મોદીને પોતાના સલાહકારો બદલવાની સલાહ આપતા કટાક્ષ કર્યો હતો કે માત્ર કમિટી બનાવવાથી કંઈ નહીં થાય, કારણ કે કમિટીમાં ગૌમૂત્રના વિશેષજ્ઞો પણ બેઠા છે. આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર પ્રો. વી. કામકોટીને 'ગૌમૂત્ર એક્સપર્ટ' કહેવા પર વિવાદ ગરમાયો છે. આ ટિપ્પણીના વિરોધમાં સરકારી સૂત્રોએ પ્રો. કામકોટીની શૈક્ષણિક લાયકાત, સંશોધન અને દેશ પ્રત્યેના તેમના યોગદાનની વિસ્તૃત યાદી જાહેર કરી છે, જે તેમનો વિશાળ અનુભવ દર્શાવે છે.
પ્રો. કામકોટી દેશના અગ્રણી કમ્પ્યુટર વૈજ્ઞાનિકોમાંના એક છે. તેમણે આ જ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં M.S. અને Ph.D.ની ડિગ્રી મેળવી છે. તેઓ વર્ષ 2001માં IIT મદ્રાસમાં ફેકલ્ટી તરીકે જોડાયા હતા અને જાન્યુઆરી 2022માં તેમણે સંસ્થાના ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
AI ટાસ્ક ફોર્સના ચેરમેન પણ રહી ચૂક્યા
કમ્પ્યુટર આર્કિટેક્ચર, ઇન્ફોર્મેશન સિક્યોરિટી અને VLSI ડિઝાઇન ક્ષેત્રના નિષ્ણાત મનાતા પ્રો. કામકોટી રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય છે અને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રચાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટાસ્ક ફોર્સના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
આ ઉપરાંત, તેઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની ટેક્નોલોજી સમિતિઓમાં સેવાઓ આપી રહ્યા છે અને હાલમાં માઇક્રોપ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોગ્રામ'નું નેતૃત્વ કરી રહ્યા છે.
JEEના ચેરમેન રહેવાની સાથે DRDO એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ સન્માનિત
સંશોધન અને વહીવટી ક્ષેત્રે પણ પ્રો. કામકોટીનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ અગાઉ JEEના ચેરમેન અને 'ઇન્ડસ્ટ્રિયલ કન્સલ્ટન્સી એન્ડ સ્પોન્સર્ડ રિસર્ચ'ના એસોસિએટ ડીન જેવી ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય જર્નલોમાં તેમના 150થી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે અને તેમણે ઉદ્યોગો તથા સરકારી R&D સંસ્થાઓના આશરે 50 સફળ પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે.
તેમના આ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને 'DRDO એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ', 'અબ્દુલ કલામ ટેક્નોલોજી ઇનોવેશન નેશનલ ફેલોશિપ', 'IESA ટેક્નો વિઝનરી એવોર્ડ', 'ACCS લાઈફ-ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' અને 'IBM ફેકલ્ટી એવોર્ડ' જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.