Fri May 29 2026

Logo

પ્રિયંકા ચોપરાની બોલીવુડમાં 'વાપસી': મહેશ બાબુ સાથે 'વારાણસી' ફિલ્મમાં જોવા મળશે

2026-03-12 15:15:00
Author: Mumbaisamachar Team
Article Image

મુંબઈ: બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગનો સિક્કો જમાવનાર પ્રિયંકા ચોપરા છેલ્લા આઠ વર્ષથી ભારતીય ફિલ્મોથી દૂર રહીને અમેરિકામાં સ્થાયી થઈ છે. જોકે, હવે તેના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં દિગ્ગજ ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ વારાણસી દ્વારા ભારતીય સિનેમામાં કમ બેક કરવા જઈ રહી છે. લાંબા સમયના વિરામ બાદ પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં પોતે બોલીવુડ કેમ છોડ્યું હતું અને હોલીવુડની સફર કેમ શરૂ કરી હતી તે વિશે દિલ ખોલીને વાત કરી છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો કે ભારતમાં કામ કરતી વખતે તેને ધીરે ધીરે સર્જનાત્મક રીતે બંધન અનુભવાતું હતું. તેણે જણાવ્યું કે 18 વર્ષની ઉંમરે જ્યારે તેણે કરિયર શરૂ કર્યું ત્યારે તેનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ હતો. એ સમયમાં તેણે લાગતું હતું કે આ બધુ માત્ર ફેમ મેળવવા માટે થાય છે. પરંતુ સમય જતાં તેને સમજાયું કે તેને હજુ ઘણું જોવાનું અને શીખવાનું બાકી છે. બોલીવુડમાં પોતાની સીમાઓ અનુભવાતા તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી શક્યતાઓ શોધવાનું નક્કી કર્યું અને હોલીવુડ તરફ પ્રયાણ કર્યું.

પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે અમેરિકા જવાનો નિર્ણય લીધો ત્યારે ત્યાંના મનોરંજન જગતમાં ભારતીય કલાકારોનું પ્રતિનિધિત્વ નહિવત હતું. તે સમયે માત્ર મિન્ડી કલિંગ અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા મોટા નામ જ જોવા મળતા હતા. આ પરિસ્થિતિએ તેને વિચારતી કરી મૂકી કે ભારતીય કલાકારોને પશ્ચિમી દેશોમાં યોગ્ય સ્થાન કેમ નથી મળતું. પ્રિયંકાએ સ્વીકાર્યું કે દરેક કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ તેને મુશ્કેલીઓમાં ફસાઈ રહેવાને બદલે હિંમત ભેગી કરીને આગળ વધવું વધુ પસંદ છે.

આઠ વર્ષના લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા હવે એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'માં 'મંદાકિની'નું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ લીડ રોલમાં છે. પ્રિયંકાની આ ઘર વાપસીને લઈને સોશિયલ મીડિયા પર અત્યારથી જ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ગ્લોબલ લેવલ પર નામના મેળવ્યા બાદ પ્રિયંકા ફરી દેશી અંદાજમાં ભારતીય પ્રેક્ષકોનું દિલ જીતવા માટે સજ્જ થઈ છે.