Fri May 01 2026

Logo

બીડમાં ટાયર ફાટવાથી ઊંધી વળી ગયેલી બસમાં લાગી આગ: 20 પ્રવાસી ઘવાયા...

2026-03-16 17:47:26
Author: Yogesh D. Patel
Article Image

બીડ: બીડ જિલ્લામાં ખાનગી ટૂરિસ્ટ બસનું ટાયર ફાટતાં તે ઊંધી વળી ગઇ હતી અને તેમાં આગ લાગતાં ત્રણ વર્ષના બાળક સહિત 20 પ્રવાસી ઘાયલ થયા હતા.જિલ્લા વડામથકથી પચાસ કિ.મી. દૂર કૈજ તહેસીલના મંજારસુબા-અંબાજોગાઇ માર્ગ પર સુરાની નજીક રવિવારે મોડી રાતના 2.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

ખાનગી બસમાં 28 પ્રવાસી હતા અને તે જળગાંવથી લાતુર જઇ રહી હતી. વળાંક લેતી વખતે અચાનક ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરની રેલિંગ તોડીને ખાડામાં પડી ગઇ હતી અને બસમાં આગ લાગી હતી.

એ સમયે ત્યાંથી પસાર થનારી નાંદેડ-પુણે બસના પ્રવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઊંધી વળેલી બસમાંના પ્રવાસીઓને બચાવી લીધા હતા.આ અકસ્માતમાં 20 પ્રવાસી ઘાયલ થયા હતા અને તેમને છ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, એમ કૈજ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સ્વપ્નીલ ઉનાવનેએ જણાવ્યું હતું.

11 પ્રવાસીઓને ત્યાર બાદ અંબાજોગાઇની સ્વામી રામાનંદ તીર્થ સરકારી ગ્રામીણ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના નવ પ્રવાસીને લાતુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, એમ મેડિકલ ઓફિસર ડૉ. અવેઝ શેખે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર બસમાં લાગેલી આગમાં પ્રવાસીઓનો સામાન સળગી ગયો હતો. આગમાં નજીકના ખેતરમાંના વૃક્ષો પર સળગી ગયાં હતાં. (પીટીઆઇ)