લંડન: બ્રિટનના રાજા ચાર્લ્સના ભાઈ અને ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની ધરપકડ કરવામાં આવી છે, અહેવાલ મુજબ “જાહેર ગેરવર્તણૂક”ના આરોપસર તેમના નિવાસસ્થાન સેન્ડ્રિંગહામ એસ્ટેટમાંથી ધરપકડ કરવામાં આવી છે. થેમ્સ વેલી પોલીસે આ ધરપડકની પુષ્ટિ કરી છે.
થેમ્સ વેલી પોલીસે જણાવ્યા મુજબ સંપૂર્ણ મૂલ્યાંકન બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર પર 2010 માં યુએસના ફાઇનાન્સર અને દોષિત જાતીય ગુનેગાર જેફરી એપ્સટિન વેપાર દસ્તાવેજો મોકલવાના આરોપ છે.
નોંધનીય છે એન્ડ્રુ સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથના બીજા દીકરા છે. ગત વર્ષે એપ્સટિન ફાઈલ્સમાં પ્રિન્સ એન્ડ્રુનું નામ સામે આવતા તેમની રાજવી પરિવારમાંથી હકાલ પટ્ટી કરવામાં આવી હતી. એવા આરોપ છે કે એન્ડ્રુએ ગુપ્ત સરકારી દસ્તાવેજો એપ્સટિનને સોંપ્યા હતાં. પોલીસ બર્કશાયર અને નોર્ફોકમાં એન્ડ્રુ જ્યાં રહ્યા હતાં એ સ્થળોની તપાસ કરી રહી છે
અહેવાલ મુજબ ગુરુવારે સવારે પૂર્વી ઇંગ્લેન્ડમાં સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતે છ પોલીસ કાર અને લગભગ આઠ પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં પહોંચ્યા હતા.
એન્ડ્રુએ એપ્સટિન સાથેના સંબંધ હોવાની વાત સ્વીકારી છે, પણ કોઈ પણ ખોટું કામ કર્યું હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે એપ્સટિન સાથે તેમની સાથેની મિત્રતા બદલ તેમને અફસોસ છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી એપ્સટિન ફાઈલ્સ અંગે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.