Mon Oct 05 2026

Logo

કેન્દ્ર સરકારે 8 હાઇ કોર્ટમાં ચીફ જસ્ટિસ કર્યા નિયુક્ત, જાણો કયા રાજ્યમાં કોણ સંભાળશે જવાબદારી

2026-09-06 08:58:26
Author: Mumbai Samachar Team
કેન્દ્ર સરકારે 8 હાઇ કોર્ટમાં ચીફ જસ્ટિસ કર્યા નિયુક્ત, જાણો કયા રાજ્યમાં કોણ સંભાળશે જવાબદારી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે દેશની જુદીજુદી હાઇ કોર્ટમાં 8 ચીફ જસ્ટિસની નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ સુપ્રીમ કોર્ટની ભલામણના થોડાક દિવસો પછી આવી છે. ગુજરાત હાઇ કોર્ટના જસ્ટિસ અલ્પેશ યશવંત કોગ્જેને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું કે દિલ્હી હાઇ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ વલ્લુરી કામેશ્વર રાવને પટના હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બોમ્બે હાઇ કોર્ટના જસ્ટિસ રવિન્દ્ર વી.ધુગેને કોલકાતા હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવાયા છે. 

નિયુક્ત કરવામાં આવેલા 8 ચીફ જસ્ટિસ 

ન્યાયાધીશ વલ્લુરી કામેશ્વર રાવ (દિલ્હી હાઇકોર્ટ) - પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ન્યાયાધીશ રવિન્દ્ર વી ઘુગે (બોમ્બે હાઇકોર્ટ) - કોલકાત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલ (છત્તીસગઢ હાઇકોર્ટ) - રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી (અલાહાબાદ હાઇકોર્ટ) - બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા (પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ) - પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ કૃષ્ણ રામ મહાપાત્રા (ઓડિશા હાઇકોર્ટ) - છત્તીસગઢ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ અલ્પેશ યશવંત કોગજે (ગુજરાત હાઇકોર્ટ) - મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટી (રાજસ્થાન હાઇકોર્ટ) - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજસ્થાન હાઇ કોર્ટમાં વિવાદ વચ્ચે નિયુક્તિ 

રાજસ્થાન હાઇ કોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માને લઇને તાજેતરમાં જ વિવાદ સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સંદીપ મહેતાએ તેમની સામે ગંભીર અને અભૂતપૂર્વ આરોપ લગાવ્યા હતા. દરમ્યાન જસ્ટિસ સંજય કુમાર અગ્રવાલને રાજસ્થાનના નવા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે.

દેશની ન્યાયપાલિકામાં મોટાપાયા પર ચીફ જસ્ટિસની નિયુક્તિ કરી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસની નિયુક્તિ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે જે તે રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ખાસ કરીને જે રાજ્યોમાં મોટાપાયે બદલી થઈ છે એમાં કેટલાક રાજ્યોમાં આગામી વર્ષમાં ચૂંટણી યોજાવવાની છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવારે ટ્વિટ પર એક પોસ્ટ મૂકીને માહિતી આપી હતી. આવનારા દિવસોમાં આ નવા નિયુક્ત થયેલા ચીફ જસ્ટિસ જે તે રાજ્યમાં જઈને પોતાની જવાબદારી સંભાળી શકે છે.