રિતેશ હાંગેની ધરપકડ બાદ તપાસમાં નવો વળાંક, હવે પોલીસ કોની શોધમાં?
પૂણેઃ લોનાવાલાના લોહગઢ કિલ્લા પર કેતન અગ્રવાલની હત્યાના મામલે પોલીસને એક મોટી કડી મળી છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.તપાસનો દાયરો આગળ વધારતા પોલીસે મુખ્ય આરોપીના સાથીદાર રિતેશ હાંગેની ધરપકડ કરી છે. પોલીસને એવી આશંકા છે કે, આને ઘટના બની એની પહેલા હત્યાના સમગ્ર પ્લાનિંગની પૂરી જાણકારી હતી. કેતન અગ્રવાલની હત્યા થતા સમગ્ર પૂનામાં કેસની જોરશોરથી ચર્ચા થઈ રહી હતી. લોનાવાલાના લોહગઢના કિલ્લા પરથી એને ધક્કો મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
કઈ ચેટને ડિલિટ મારી દીધી
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ચેતન ચૌધરી અને મહિલા મિત્ર સિયા ગોયલની ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં ત્રીજી વ્યક્તિ રિતેશ હાંગેનું નામ પણ જોડાઈ ગયું છે.આ ત્રણેય વ્યક્તિએ મળીને પ્લાન બનાવ્યો હશે એવી પોલીસને આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચેતન ચૌધરી અને રિતેશ હાંગેની વોટ્સએપ પર વાતચીત થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. વોટ્સએપ પર થયેલી વાતચીત પોલીસને કેસની તપાસ માટે મહત્ત્વની સાબિત થઈ છે. પણ કેસમાં રિતેશે વોટ્સએપ પર થયેલી વાતચીતના અંશ ડિલિટ મારી દીધા હતા. તપાસ દરમિયાન ફરીથી એને રિકવર કરાતા સત્ય સામે આવ્યું હતું. પોલીસને તપાસ દરમિયાન એવી આશંકા ગઈ હતી કે, રિતેશને સમગ્ર હત્યાના પ્લાન અંગે પહેલાથી ખબર હતી.આ આધાર પર પૂણે ગ્રામ્ય પોલીસે એેની ધરપકડ કરી છે. પોલીસે પહેલા ચેતનની અને સિયાની પૂછપરછ કરી હતી. જેમાંથી આ વ્યક્તિનું નામ ખૂલ્યું હોવાનું માનવામાં આવે છે.
પ્લાનિંગ અંગે જાણ હોવાની આશંકા
હકીકત એવી પણ છે કે, જ્યારે આ ઘટના બની એ સમયે રિતેશ ત્યાં હાજર ન હતો પણ ચેતન અને સિયા કેતનને લોહગઢના કિલ્લા સુધી લઈ ગયા હતા.ઘટના બની એ પછી પણ ચેતન અને સિયા રિતેશના કોન્ટેક્ટમાં હતા. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, હત્યા બાદ થયેલી વાતચીતમાં શું ચર્ચા થઈ અને તેઓ ક્યાં મળ્યા હતા. આ સમગ્ર કેસમાં રિતેશનો રોલ શું હતો.રિતેશ મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી છે. હાલમાં તે પૂણેના બાલેવાડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા માટે કાર્યવાહી કરી, કોર્ટમાં રજૂ થયા બાદ 12 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે આ કેસમાં એની પાસેથી સમગ્ર પ્લાન જાણવા માટે પ્રયાસ કરશે. આ ઉપરાંત મુખ્ય આરોપીએ સાથે એના સંબંધ, કાવતરા અંગે અન્ય મુદ્દા અને હત્યા બાદ શું કર્યું એ અંગે પૂછપરછ કરશે. પૂણે પોલીસ આ દિશમાાં ઊંડાઈથી તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં હજુ કંઈક નવું સામે આવી શકે એમ છે. આ સિવાય બીજા કેટલાક પુરાવા એકઠા કરી શકે છે.
ડિજિટલ પુરાવાઓની તપાસ
પુણે ગ્રામીણ પોલીસ આ કેસના સંદર્ભમાં મોબાઇલ ફોન, વોટ્સએપ સંદેશાઓ અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરી રહી છે. તપાસનો મુખ્ય ઉદ્દેશ એ નક્કી કરવાનો છે કે હત્યાના કાવતરા વિશે કોણ જાણતું હતું અને અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી પ્રકાશમાં આવે છે કે કેમ. કેતન અગ્રવાલ હત્યા કેસમાં રિતેશ હાંગેની ધરપકડ બાદ તપાસને વધુ મહત્વ મળ્યું છે. પોલીસ પૂછપરછ અને ડિજિટલ પુરાવાના વિશ્લેષણના આધારે આગામી દિવસોમાં કેસ અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.