Tue Sep 29 2026

Logo

ટૅક વ્યૂહ: સ્લીપિંગ ઈલનેસ   સ્માર્ટફોનના ઉપયોગથી ઊંઘ કેમ નથી આવતી?

2026-09-06 10:03:10
Author: Viral Rathod
ટૅક વ્યૂહ: સ્લીપિંગ ઈલનેસ   સ્માર્ટફોનના ઉપયોગથી ઊંઘ કેમ નથી આવતી?

વિરલ રાઠોડ

 સામાન્ય રીતે રાત હંમેશાં ઊંઘ કરવા માટે હોય છે. દિવસનો અંત રાત અને આખા દિવસના થાકનો હાશકારો એટલે ઊંઘ. જુદી-જુદી જીવનશૈલી પર મહાનગરમાં થયેલા સર્વેમાંથી એ વાત જાણવા મળી છે કે, ભારતના મહાનગર કે નાના શહેર રાત્રીના 12 વાગ્યા સુધી જાગે જ છે. એટલે કે, 12 વાગ્યા સુધી નાના સિટીના લોકો પણ જાગતા જ હોય છે. ખાસ કરીને યુવાવર્ગમાં તો રાત પડે ને દિવસ ઊગે છે. સ્માર્ટફોનની ડિજિટલ દુનિયામાં એન્ટ્રી કર્યા બાદ ઊંઘ ધીમે ધીમે વિદાય લેતી હોય એવું લાગે. મોડીરાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ શરીરને માઠી અસર કરે છે. ફોન ચાલુ હોય ત્યાં સુધી ઊંઘ આવતી નથી, આંખ બંધ થતી નથી, પડ્યા રહીને ફોનમાં રીલ્સ જોયા કરવાની... આવું દરેક ઘરમાં થતું હશે. છથી સાત કલાકની ઊંઘ ન કરવામાં આવે તો આંખને સૌથી વધારે લોડ પડે.

સ્માર્ટફોનનો ઉપયોગ ઊંઘ પર બે રીતે અસર કરે છે. એક, બ્લુલાઈટ્સ ઈફેક્ટ. બીજુ, નોટિફિકેશન ઈગરનેસ. સ્માર્ટ ફોન લેપટોપ, કમ્પ્યુટર, ટેબલેટની સ્ક્રીન પર ભલે વ્હાઈટ લાઈટ દેખાતી હોય પણ અંદરથી એની સાથે નીકળતી બ્લુ લાઈટ સતત દિમાગને એવો અહેસાસ કરાવે છે કે, હજુ તો દિવસ છે. આનાથી દિમાગમાં મેલાટોનીન નામના હોર્મનનું ઉત્પાદન અટકે છે. એ એ જ હોર્મન છે જે સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. આનું ઉત્પાદન દિમાગમાં ઘટે ત્યારે લાંબા ગાળા સુધી ઊંઘ આવતી નથી. સ્માર્ટફોનમાં સતત આવતા નોટિફિકેશનના સાઉન્ડ કાન વાટે દિમાગ સુધી પહોંચે છે. દિમાગ એમાં શું નવું છે એ જોવા માટે ઊંઘનો ભોગ લઈને સતત એ દિશામાં પુશ કરે  : ‘  ચાલો આ જોઈએ, ચાલો બીજું કંઈક સર્ચ કરીએ..’  આમ સ્માર્ટફોનની ડિજિટલ એસેટ્ના એક્સેસ વધે છે એ પણ ઊંઘના ભોગે.અવાજ ધ્યાન ખેંચે છે અને દિમાગ એનું માધ્યમ બને છે જ્યારે સમગ્ર કંટ્રોલ મોબાઈલના હાથમાં હોય છે. 

હાવર્ડ મેડિકલ સ્કૂલનો એક અભ્યાસ એવું કહે છે કે, સતત રાતના સમયે વધી રહેલો સ્માર્ટફોનનો ઉપયોગ યુવાવસ્થામાં 70 ટકા ઊંઘને બગાડે છે. ઊંઘની ક્વોલિટીને અસર કરે છે. આપણા દેશના મહાનગરમાં લાઈફસ્ટાઈલ પર થયેલો સર્વે તો ત્યાં સુધી કહે છે કે, 95 ટકા લોકો સૂતા પહેલા મોબાઈલ જુએ છે. એમાં શું જોવામાં આવે છે પાછો અલગ રિસર્ચનો વિષય છે. ‘એઈમ્સ’ના તબીબોના એક રિસર્ચ પેપર લખ્યું હતું જેનું તારણ હતું કે, નાની ઉંમરમાં ઓછું યાદ રહેવાની બીમારીમાં વધારો થયો છે એ પાછળનું કારણ સ્માર્ટફોનનો રાત્રે ઉપયોગ છે. ઊંઘનો અભાવ યાદશક્તિ ઘટાડે છે. બ્લડ પ્રેશર વધારે છે અને સ્કિનને નુકસાન કરે છે.

નાઈટ જોબ હોય અને ફરજિયાતપણે સ્માર્ટફોન વાપરવો જ પડે તો કેટલીક એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હિતકારક  છે, જે બ્લુલાઈટને ઓછી કરે છે અથવા તો આવતી જ બંધ કરી દે છે. આવી એક એપ્લિકેશનનું નામ છે  ‘ ટ્વિલાઈટ’   જેને નાઈટમોડ એપ્લિકેશન પણ કહેવાય છે. બીજી એક છે, ‘બ્લુ લાઈટ ફિલ્ટર. ’ આનાથી તમે સ્ક્રીન પરની લાઈટને કંટ્રોલ કરી શકો છો. હવે આ તો બ્રાઈટનેસ ઘટાડવાથી પણ થાય, પણ બ્રાઈટનેસ ઘટાડવાથી બ્લુ લાઈટ ઓછી ન થાય. ગશલવિં ઘૂહ ડ એપ્લિકેશનની મદદથી સ્માર્ટફોનની આખી કલર સિસ્ટમને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં ફોનમાં ક્યા કલરટોન છે, ક્યા સપોર્ટ કરે છે અને ક્યા એડિટ કરીને રિઝોલ્શન સેટ કરવું એ તમામ વસ્તુ એક જ ક્લિક પર શક્ય છે. સ્મશાન જેવી શાંતિ હોય તો ક્યારેક સાવ ઊંઘ ન પણ આવે. આવા સમયે કંઈક ધીમું ધીમું વાગતું હોય તો મજા આવી જાય. એ વગાડવા પણ ફોન જોઈએ,  પણ ના, ‘વ્હાઈટ નોઈસ ’ મશીન ખાસ ઊંઘ માટે તૈયાર કરવામાં આવ્યું  છે, જેમાં દરિયાના મોજા, પવનનો અવાજ, હળવો વરસાદ, પાણીના ટીપા જેવા અવાજ ધીમે ધીમે પ્લે થાય એટલે જાણે દરિયાકિનારે પોઢી ગયા હોય એવું લાગે.

દરેક સ્માર્ટ ફોનમાં હવે આઈ પ્રોટેક્શન ફીચર આવે છે. આનો ટાઈમિંગ રાત્રીનો સેટ કરી દો. ફોનની લાઈટ ઓટોમેટિક ઓછી થઈ જશે, ડીમ થઈ જશે અને બ્લુ લાઈટ પણ નહીં આવે. મેડિકલ સંશોધન  એવું કહે છે કે, સૂતા પહેલાની 30 મિનિટ પહેલા કોઈ જ ડિજિટલ ડિવાઈસ કે ફોન વાપરવા ન જોઈએ. દિવસભરનો થાક ઊંઘ લાવી જ દે. પણ એવું ન થાય તો? ઑક્સફર્ડના તબીબો કહે છે દરરોજ રાત્રે ગમતા પુસ્તકનું માત્ર એક પાનું અવશ્ય વાંચો. અખબારમાં નેગેટિવ ન હોય એવા ન્યૂઝ વાંચો. 

આઉટ ઓફ ધ બોક્સ

મેડિકલ રિસર્ચ કહે છે : 

નાઈટ જર્ની વખતે મોબાઈલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, સ્લીપર બસ કે ટ્રેનનો કોચ હોય તો ઊંઘી જવું જોઈએ. કારણ કે, ટ્રાવેલ વખતે આંખ ભલે બંધ થઈ જાય,  પણ શરીર સતત સક્રિય હોય છે.