Thu May 14 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ પ્રતિક યાદવનું મોત રહસ્યમય, ડ્રગ્સે ભોગ લીધો કે કાવતરાએ?

2026-05-14 09:00:00
Author: Baharat Bhardwaj
Article Image

ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતિક યાદવના આકસ્મિક મોતનો સમાચારે સૌને આંચકો આપી દીધો. માત્ર 38 વર્ષનો  બોડી બિલ્ડર પ્રતિક જીમ ટ્રેઈનર હતો ને એકદમ સ્વસ્થ લાગતો હતો ત્યાં બુધવારે સવારે જ અકાળે તેનું અવસાન થયાના સમાચાર આવી ગયા. 

ભાજપનાં નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીકના મોતનું કારણ શું છે તેની ખબર પોસ્ટ મોર્ટમ પછી જ પડે પણ અત્યારે તો જાત જાતની કોન્સ્પિરસી થીયરીઓ વહેતી થઈ ગઈ છે. પ્રતિકને ઝેર આપીને મારી નખાયો છે ત્યાંથી માંડીને તેની તબિયત ખરાબ હોવા છતાં તેને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવવાના બદલે જાણીજોઈને મરવા દેવાયો ને મરી ગયા પછી હોસ્પિટલ લઈ જવાયો ત્યાં સુધીની વાતો વહેતી થઈ છે. 

આ વાતોમાં દમ છે કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ છે પણ કેમ કે પ્રતીક બીમાર છે એ વાતની જ લોકોને ખબર નહોતી. પ્રતિક સેલિબ્રિટી નહોતો ને મુલાયમસિંહ યાદવના પરિવારની યાદવાસ્થળી બહાર ના આવી હોત તો કોઈ તેને ઓળખતું પણ ના હોત કેમ કે પ્રતિક મુલાયમસિંહ યાદવનો સગો દીકરો નહોતો. મુલાયમના રાજકીય વારસ બનવા યાદવ પરિવારમાં જંગ જામ્યો ત્યારે પ્રતિક લોકોની નજરમાં આવ્યો પણ પછી ભૂલાઈ ગયેલો. એ વખતે પ્રતીકની મીડિયામા જે ઈમેજ ઊભી કરાઈ એ હેલ્થ-કોન્શિયસ યુવકની હતી,  

એક્સરસાઈઝ કરીને જોરદાર બોડી બનાવનારા નવી જનરેશનના છોકરાની હતી. પ્રતિક બીમાર છે કે અસ્વસ્થ છે તેવો ખ્યાલ પણ કોઈને ના આવે એવું અલમસ્ત યુવક તરીકેની ઈમેજ મીડિયાએ બનાવી દીધેલી. 

આ તો મોતના સમાચાર આવ્યા પછી સૌને ખબર પડી કે, પ્રતીકને લાંબી બીમારીના કારણે એક મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં ભરતી કરાયેલો ને થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. બુધવારે વહેલી સવારે તબિયત લથડી પછી લખનઉની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો પણ ત્યાં લગીમાં તો પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. 

પ્રતીકનાં મોત પછી કોન્સ્પિરસી થીયરીઓ વહેતી થઈ છે તેનું કારણ પણ એ જ છે કે, પ્રતિક અખિલેશ યાદવનો ભાઈ છે. અખિલેશ ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટું માથું છે ને આવતા વરસે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં અખિલેશ ભાજપને પછાડીને ફરી સત્તા હાંસલ કરે છે કે નહીં તેના પર સૌની નજર છે. યુપીમાં અત્યારથી ચૂંટણીનો રંગ જામવા માંડ્યો છે ને તેમાં આ ગોઝારી ઘટના બની ગઈ તેથી કાવતરાની વાતો વહેતી થઈ ગઈ. 

યાદવ પરિવારમાં થયેલી યાદવાસ્થળીનું એક કારણ પ્રતીકની પત્ની અપર્ણા પણ હતી ને તેના કારણે પણ જાત જાતની વાતો વહેતી થઈ છે. પ્રતીક યાદવની પત્ની અપર્ણા યાદવ ભાજપની નેતા છે ને અખિલેશ યાદવ સાથે તેને બારમો ચંદ્રમા છે. અખિલેશ સાથેના ડખાના કારણે જ અપર્ણા સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયેલી પણ પ્રતીક યાદવ પરિવાર સાથે જ રહેલો. તેના કારણે પ્રતિક અને અપર્ણા વચ્ચે ખટરાગ થતાં થોડા મહિના પહેલાં પ્રતીકે અપર્ણાને ડિવોર્સ આપવાની જાહેરાત પણ કરી નાખેલી. 

પ્રતીક યાદવે એ વખતે અપર્ણા યાદવને સોશિયલ મીડિયા પર ગાળો ભાંડીને આક્ષેપ મૂક્યો હતો કે, અપર્ણાના કારણે તેના પારિવારિક સંબંધો બરબાદ થઈ ગયા છે. પોતે સતત માનસિક તણવામાં રહે છે પણ અપર્ણાને  કંઈ પડી જ નથી. અપર્ણાને પોતાના સિવાય કોઈની પરવા નથી, અપર્ણાને સત્તા અને ખ્યાતિ સિવાય બીજું કશું જોઈતું નથી. 

પ્રતીકે અપર્ણાને પોતાની જીંદગીમાં જોયેલી સૌથી ખરાબ વ્યક્તિ ગણાવીને તેની સાથે પોતે લગ્ન કર્યાં તેનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પોતે શક્ય એટલી ઝડપથી અપર્ણાને છૂટી કરી દેશે એવું પણ જાહેર કર્યું હતું. પ્રતીકે જાહેરાત તો કરી પણ તેણે અપર્ણાને ડિવોર્સ નહોતા આપ્યા.  પ્રતીકને હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે પણ અપર્ણા તેની સાથે હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર આવેલી તેથી બંને અલગ રહેતાં હશે પણ પતિ-પત્નિ તો હજુ છે જ. 

પ્રતીકને મારવા માટે કોઈએ કાવતરું ઘડવું પડે કે કારસા કરવા પડે એવી તેની પર્સનાલિટી જ નહોતી પણ દુનિયામાં બધું નજરે દેખાય એવું હોતું નથી. પ્રતિક કોઈને નડ્યો નહોતો ને યાદવ પરિવારમાં જામેલા જંગ વખતે પણ એ બિલકુલ ચૂપ હતો. જાહેરમાં લવારા કરીને ખટરાગ વધારવાના બદલે પ્રતિકે મૌન રહેવાનું પસંદ કરેલું ને ગૌરવપૂર્ણ રીતે વર્તેલો. એ બીજા કોઈ વિવાદમાં પણ કદી નહોતો પડ્યો. 

પ્રતિક હાઈ પ્રોફાઈલ પરિવારનો હતો એ સાચું પણ એ હાઈ પ્રોફાઈલ નહોતો. યાદવ પરિવાર વરસોથી રાજકારણમાં છે ને અબજોનો દલ્લો ભેગો કરેલો છે. તેના જોરે તેણે પોતાનું જીમ ને રીયલ એસ્ટેટનો ધંધો જમાવેલો. તેમાંથી થતી કમાણીથી તેને સંતોષ હતો ને તેના જોરે એ જલસાની જિંદગી જીવતો હતો. 

પ્રતીકની કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા નહોતી ને મુલાયમ જીવતા હતા ત્યારે પણ કદી રાજકીય સક્રિયતા બતાવી નહોતી. પ્રતિકનાં માતા સાધના ગુપ્તા મુલાયમના બીજી પત્ની હતાં. 1980ના દાયકામાં મુલાયમ સાધના દેવીને છાનામાના પરણી ગયેલા. સાધનાનાં પહેલાં લગ્ન ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયેલાં ને આ લગ્નથી પ્રતિક જન્મ્યો હતો. 

સાધનાએ ચંદ્રપ્રકાશને ડિવોર્સ આપી મુલાયમ સાથે લગ્ન કર્યાં પછી પ્રતિકના પિતા તરીકે મુલાયમનું નામ લખાય છે પણ પ્રતીકને મુલાયમ સાથે લોહીનો સંબંધ નથી. સાધના આ વાત સમજ્યા વિના પ્રતિકને મુલાયમનો રાજકીય વારસ બનાવવા મથતાં હતાં પણ પ્રતિક પોતાની મર્યાદા સમજતો તેથી કદી રાજકીય મહત્ત્વાકાંક્ષા જ ના બતાવી. 

આ કારણે અખિલેશ કે બીજા કોઈના માટે પણ નડતરરૂપ નહોતો તેથી તેને પતાવી દેવા માટે કોઈએ કાવતરું ઘડવું પડે એવા સંજોગો જ નહોતા. અલબત્ત જિંદગી આપણે ધારીએ એવી સરળ નથી હોત ને લોકોના જીવનમાં કેવાં કેવાં રહસ્યો છૂપાયેલાં હોય છે તેની તેમની સાથે રહેનારાં લોકોને પણ ખબર નથી હોતી. પ્રતિકના જીવનમાં પણ એવાં કોઈ રહસ્યો હોઈ શકે એ જોતાં કાવતરાની શંકા સાવ નકારી પણ ના શકાય.  

પ્રતીક પહેલાં સાવ દૂબળોપાતળો હતો પણ છેલ્લાં કેટલાંક વરસોમાં મસલમેન બની ગયેલો. સુનિલ શેટ્ટી નવોસવો ફિલ્મોમાં આવેલો ત્યારે હતા એવો ડોલે-શોલે એટલે કે બાય-સેપ્સ ને ટ્રાય-સેપ્સ પ્રતિકના પણ થઈ ગયેલા. પ્રતિકે જીમમાં ટ્રેઈનિંગ દ્વારા કસાયેલું શરીર બનાવ્યું કે પછી દવાઓ લઈ લઈને બોડી બનાવી એ ખબર નથી પણ તેના બોડીમાં અચાનક આવેલા ફેરફારને જોતાં ડ્રગ્સ કે બીજી દવાઓની આડઅસર પણ તેના મોત માટે જવાબદાર હોય એ શક્યતા છે જ.