(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવાર આખી રાત પડેલા મુશધાર વરસાદને કારણેે પવઈ તળાવ બુધવારે વહેલી સવારે છલકાઈ ગયું હતું. જોકે તળાવના છલકાઈ જવાથી બહુ હરખાવવા જેવું નથી, કારણકે આ તળાવનું પાણી પીવા સિવાયના ઉપયોગ માટે એટલે કે ઔદ્યોગિક વપરાશ માટે વાપરવામાં આવે છે.
પાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારના ૫.૩૦ વાગે પવઈ તળાવ તેની પૂણર્ર્ ક્ષણતાએ ભરાઈને વહેવા માંડ્યું હતું. ૫૪૫ કરોડ લીટરની ક્ષમતા ધરાવતું પવઈ તળવાનું પાણી પીવા માટે વાપરવામાં આવતું નથી પણ આજુબાજુ રહેલા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા ઉદ્યોગ એકમોને તેનો પુરવઠો કરવામાં આવે છે.
મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયથી ૨૭ કિલોમીટર અંતર પર આવેલા આ કૃત્રિમ તળાવનું બાંધકામ ૧૮૯૦માં પૂર્ણ થયું હતું. એ સમયે તેના બાંધકામ માટે લગભગ ૧૨.૫૯ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તળવાનો પરિસર ૬.૬૧ ચોરસ મીટરનો હોઈ તળાવ પૂર્ણ ભરેલું હોય ત્યારે પાણીનું ક્ષેત્રફળ લગભગ ૨.૨૩ ચોરસ કિલોમીટર જેટલું હોય છે. તળાવની પૂર્ણ રીતે છલકાઈ જવાની સપાટી ૧૯૫ ફૂટ છે. આ તળાવ જયારે છલકાઈ જાય છે ત્યારે તળાવનું પાણી મીઠી નદીને મળે છે.