બોલીવૂડની બિન્દાસ એક્ટ્રેસ પૂજા બેદી હંમેશા પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરવા માટે જાણીતી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના છૂટાછેડા અને પૂર્વ પતિ ફરહાન ફર્નિચરવાલા સાથેના સંબંધો વિશે એવી વાતો કરી છે, જે આજના સમયમાં ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે.
બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદીએ 24 વર્ષની ઉંમરે ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ જોકે, લગ્નના 12 વર્ષ બાદ એટલે કે 2003માં બંનેએ છુટા પડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે, લગ્નના દાયકાઓ બાદ પૂજાએ તેના છૂટાછેડા વિશેનો પોતાનો એક આગવો હકારાત્મક અભિગમ રજૂ કર્યો છે.
એક ઈન્ટરવ્યુમાં પૂજાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી નજરમાં લગ્ન એ એક સફર છે. હું એ ૧૨ વર્ષ માટે ઈશ્વરની શુક્રગુજાર છું, કારણ કે આ લગ્નએ મને બે સુંદર બાળકો અને એક સારો મિત્ર આપ્યો છે. તેણે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે ભલે લગ્નના 12 વર્ષ સારા વીત્યા હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીના 50 વર્ષ તેણે એ જ સંબંધમાં દુઃખી થઈને વિતાવવા જોઈએ. તે કહે છે, હું લગ્ન કરીને પણ ખુશ હતી અને છૂટાછેડા લઈને પણ ખુશ છું.
પૂજાની ખાસિયત એ છે કે તેના સંબંધો માત્ર એક્સ હસબન્ડ પૂરતા સીમિત નથી. ફરહાનની વર્તમાન પત્ની લાયલા સાથે પણ પૂજાને ગાઢ મિત્રતા છે. પૂજાના જણાવ્યા અનુસાર, લાયલા તેના બાળપણની મિત્ર છે અને હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો છે. પૂજાની દીકરી અલાયા એફ પણ લાયલા અને તેના પુત્ર સાથે મજબૂત સંબંધ ધરાવે છે.
પૂજાએ તેના પિતા કબીર બેદી અને માતા પ્રોતિમા બેદી વિશે પણ ખૂબ જ ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, મેં મારા માતા-પિતાને છૂટાછેડા લેતા જોયા હતા, પરંતુ તેમની વચ્ચે ક્યારેય સન્માન ઓછું નથી થયું. મારા પિતા તેમની બીજી પત્ની સાથે હનીમૂન પર હોવા છતાં અમારા ઘરે આવીને રોકાતા હતા. આ હકારાત્મક માહોલમાં મોટી થઈ હોવાથી જ હું મારા સંબંધોને આટલી મેચ્યોરિટીથી નિભાવી શકું છું.