Sat Sep 05 2026

Logo

વિયેતનામ બોટ દુર્ઘટનાઃ ભારતીય દૂતાવાસે જાહેર કરી 32 ભારતીયોની યાદી,  PM મોદીએ શું કહ્યું?

Hanoi   2026-07-11 19:17:00
Author: Vimal Prajapati
વિયેતનામ બોટ દુર્ઘટનાઃ ભારતીય દૂતાવાસે જાહેર કરી 32 ભારતીયોની યાદી,  PM મોદીએ શું કહ્યું?

હનોઈ / હો ચી મિન્હ સિટી:  વિયેતનામના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ફુ ક્વોક દ્વીપ નજીક ભારતીય પ્રવાસીઓથી ભરેલી સ્પીડબોટ પલટી જવાની કમકમાટીભરી ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, વિયેતનામમાં ભારતીય નાગરિકો સાથે બનેલી બોટ દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમની સાથે મારી સંવેદનાઓ છે. હું ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આપણું દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યા છે અને અમારા અધિકારીઓ વિયેતનામના તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

સ્પીડબોટમાં ટેકનિકલ ખામી સર્જાતા બની દુર્ઘટના

વિયેતનામના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી 'ઓશન પર્લ આઇલેન્ડ કંપની'ની આ સ્પીડબોટમાં 32 ભારતીય પ્રવાસીઓ, એક ટૂર ગાઇડ અને ક્રૂ મેમ્બરના 4 સભ્યો સહિત કુલ 37 લોકો સવાર હતા. શનિવારે બપોરે આશરે 1:00 વાગ્યે બોટમાં અચાનક કોઈ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 મહિલા અને 13 પુરુષ સહિત 15 ભારતીય પ્રવાસીઓના મોત થયાં છે. 

21 લોકોને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં

સુરક્ષા દળો અને નાવિકોની મદદથી 21 લોકોને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યં છે. દુર્ઘટના બાદ આસપાસથી પસાર થતી અન્ય પર્યટક બોટો પણ તરત જ મદદ માટે દોડી આવી હતી. રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે સ્થાનિક બોર્ડર ગાર્ડ દ્વારા 35 સૈનિકો અને 2 મોટા જહાજો તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં વિયેતનામની નેવી અને કોસ્ટ ગાર્ડ પણ મદદ કરી રહ્યા છે. આ સાથે ભારતીય દુતાવાસ દ્વારા બોટમાં સવાર 32 ભારતીયોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. 

હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે ઘટનાના ચોક્કસ કારણો અને પ્રવાસીઓની સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી છે. પીડિત પરિવારોની આકસ્મિક સહાય અને સચોટ માહિતી માટે હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને હનોઈ ખાતે ખાસ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેના માધ્યમથી ઇજાગ્રસ્તો અને મૃતકોના સ્વજનોને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે.