ગુવાહાટી : આસામમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસને ખોટા વાયદાઓની દુકાન ગણાવી છે તેમજ કહ્યું તેમનું કામ લોકોમાં વિભાજન કરાવવાનું છે. જ્યારે ડબલ એન્જિન સરકાર આસામમાં શાંતિ અને વિકાસ સાથે આગળ વધી રહી છે. પીએમ મોદીએ ગુવાહાટીથી સભાને સંબોધતા જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે તેઓ કોકરાઝાર જઈ શક્યો નથી. હું તમારા બધાની દિલથી માફી માંગુ છું.
કોંગ્રેસે વિવિધ સમુદાયોમાં મતભેદ ઉભા કર્યા
પીએમ મોદીએ જણાવ્યું કે આજે બોડોલેન્ડ શાંતિ અને વિકાસના માર્ગ પર છે. જ્યારે તમે કોંગ્રેસ પાર્ટીને દેશમાંથી અને આસામમાંથી હાંકી કાઢી અને એનડીએને તક આપી ત્યારથી અમે અમારા પ્રયાસો ઇમાનદારીથી શરૂ કર્યા. તેમણે ટિપ્પણી કરી કે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વાર્થી રાજકારણ માટે વિવિધ સમુદાયોમાં મતભેદ ઉભા કર્યા ત્યારે ભાજપે કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે કામ કર્યું. આ જ દ્રષ્ટિકોણથી બોડો શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પહેલી વાર આ કરારે તમામ મુખ્ય સંગઠનો અને જૂથોને એકસાથે લાવ્યા.
આસામ શાંતિ અને પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે
પીએમ મોદીએ સભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, એનડીએની ડબલ-એન્જિન સરકાર આસામના વારસાને જાળવવા અને તેના ઝડપી વિકાસને સુનિશ્ચિત કરવા માટે સતત કામ કરી રહી છે. કોકરાઝાર સહિત આ સમગ્ર પ્રદેશે છેલ્લા કેટલાક દાયકાઓમાં અપાર મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને નોંધપાત્ર નુકસાન સહન કર્યું છે. આજે બોડોલેન્ડ શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. આજે આસામ શાંતિ અને પ્રગતિનો એક નવો અધ્યાય લખી રહ્યું છે.
ઉદ્દેશ્ય હંમેશા તમારી સેવા કરવાનો
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે મારા માટે તમારો પ્રેમ એક ઋણ જેવો છે અને તેનો ઉદ્દેશ્ય હંમેશા તમારી સેવા કરવાનો છે. તેમજ થોડા અઠવાડિયા પૂર્વે મને ગુવાહાટીમાં બોડો સમુદાયની સમૃદ્ધ સંસ્કૃતિ જોવાની તક મળી હતી.બોડો સમુદાયે તેની ભાષા અને સંસ્કૃતિને કેવી રીતે સાચવી રાખી છે તે જોઈને મને ગર્વ થાય છે.