Sat Jun 20 2026

Logo

પવનરાજે નિંબાળકર હત્યાકેસ: ભૂતપૂર્વ પ્રધાન પદ્મસિંહ પાટીલ, અન્ય સાત જણ નિર્દોષ જાહેર

2026-06-20 18:08:12
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: વિશેષ કોર્ટે કૉંગ્રેસના નેતા પવનરાજે નિંબાળકર અને તેમના ડ્રાઇવરની 2006માં થયેલી હત્યાના કેસમાં શનિવારે રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પદ્મસિંહ પાટીલ તેમ જ અન્ય સાત જણને નિર્દોષ જાહેર કર્યા હતા.
વિશેષ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) કોર્ટના જજ સત્યનારાયણ નવાંદકરે કહ્યું હતું કે તપાસકર્તા પક્ષ કાવતરાની સાંકળ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે.

તપાસકર્તા પક્ષ મુખ્યત્વે આરોપીમાંથી એપ્રૂવર બનેલા પારસમલ જૈનની જુબાની પણ આધાર રાખતો હતો. જોકે કોર્ટે તેની જુબાની શંકાસ્પદ ગણાવીને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે તે ઘટનાક્રમ પુરવાર કરી શકતી નથી. એનસીપીના ભૂતપૂર્વ સાંસદ અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના સાવકા ભાઇ પદ્મસિંહ પાટીલ તથા અન્ય સાત જણ હત્યાના આરોપનો સામનો કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પવનરાજે નિંબાળકર તેમના ડ્રાઇવર સમદ કાઝી સાથે 3 જૂન, 2006ના રોજ કારમાં મુંબઈથી ઉસ્માનાબાદ (હાલ ધારાશિવ) જઇ રહ્યા હતા ત્યારે નવી મુંબઈના કલંબોલી ખાતે બે શૂટરે તેમની કારને આંતરી હતી અને ગોળીબાર કર્યો હતો, જેમાં નિંબાળકર અને સમદ કાઝીનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં.

.નવી મુંબઈ પોલીસે કેસની તપાસ આદરી હતી, પણ પવનરાજે નિંબાળકરના પત્નીએ તપાસની પ્રગતિ પર અસંતોષ વ્યક્ત કર્યા બાદ બોમ્બે હાઇ કોર્ટે કેસ સીબીઆઇને ટ્રાન્સફર કર્યો હતો. જૂન, 2009માં પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અલીબાગની સેશન્સ કોર્ટે સપ્ટેમ્બર, 2009માં જેમના જામીન મંજૂર કર્યા હતા.

સીબીઆઇના જણાવ્યા અનુસાર આ કેસના મુખ્ય આરોપી પાટીલે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને રાજકીય અને વ્યવસાયિક દુશ્મનાવટને લઇ તેમના પિતરાઇ પવનરાજે નિંબાળકરની હત્યા કરવા માટે સુપારી આપી હતી.
તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે પારસમલ જૈન હત્યા માટે મોહન શુકલા અને સતીશ મંદાડે પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. જોકે બાદમાં તે એપ્રૂવર બનતા તેને માફી બક્ષવામાં આવી હતી. જુલાઇ, 2011માં ટ્રાયલ શરૂ થઇ હતી. પંદર વર્ષ લાંબી ટ્રાયલ દરમિયાન વિશેષ કોર્ટ અણ્ણા હઝારે સહિત વધુમાં વધુ 128 સાક્ષીદારને ચકાસ્યા હતા.

વિશેષ કોર્ટના ચુકાદાને સીબીઆઇ હાઇ કોર્ટમાં પડકારશે

પવનરાજે નિંબાળકર અને તેમના ડ્રાઇવરની હત્યાના કેસમાં પદ્મસિંહ પાટીલ તથા અન્ય સાત જણને નિર્દોષ જાહેર કરતો વિશેષ કોર્ટે શનિવારે ચુકાદો આપ્યો હતો, જેને સીબીઆઇ હવે હાઇ કોર્ટમાં પડકારશે. સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું હતું કે સીબીઆઇએ આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ સારા પુરાવા એકઠા કર્યા હતા.

આથી સીબીઆઇ હવે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇ કોર્ટમં પડકારશે. સેન્ટ્રલ એજન્સીએ 20 ઑગસ્ટ, 2009ના રોજ આરોપનામું દાખલ કર્યું હતું અને 4 જૂન, 2010ના રોજ પુરક આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પાટીલ ઉપરાંત અન્ય આરોપીઓમાં લાતુરના વેપારી સતીશ મંદાડે, સ્ટેટ એક્સાઇઝના નિવૃત્ત ઇન્સ્પેક્ટર મોહન શુકલા અને શૂટરોનો સમાવેશ હતો.