સ્વાત : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ થતાં અફડા તફડી મચી હતી.જેમાં સાત લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં શાંતિ રેલીમાં વિસ્ફોટ થયો હતો.
કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાત રેલીમાં થયેલો વિસ્ફોટ એક આત્મઘાતી હુમલા જેવો લાગતો હતો. જોકે આ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્વાતમાં શાંતિ રેલીનું આયોજન 'સ્વાત અમન જિર્ગા' દ્વારા વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવાની માંગણી સાથે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી નથી સ્વીકારી.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા. જ્યારે પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો.
26 જુલાઈના વિસ્ફોટમાં પણ બે લોકો માર્યા ગયા
આ પૂર્વે 26 જુલાઈના રોજ ખૈબર પખ્તુનખ્વામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટના પ્રાંતના બાજૌર જિલ્લામાં બની હતી. સલારઝાઈ તાલુકાના તાલી ડેમ નજીક થયેલા વિસ્ફોટમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.