Tue Jun 23 2026

Logo

ઓમરાજે નિમ્બાળકરનો ધડાકો: ન્યાય નહીં મળે તો 2029માં અપક્ષ ચૂંટણી લડવાની ચીમકી

2026-06-23 20:54:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જી શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટીના 6 સંસદસભ્ય  એકનાથ શિંદેની શિવ સેનામાં જોડાયા એમાં ધારાશિવના ઓમરાજે નિમ્બાળકરનો પણ સમાવેશ થાય છે. વિકાસના કાર્યો માટે સરકારમાં જોડાઈ રહ્યા હોવાનું આ સંસદ સભ્યોએ જણાવ્યું છે. સોમવારે પક્ષમાં  જોડાયા બાદ ઓમરાજે દ્વારા આપવામાં આવેલા નિવેદનથી હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમરાજે નિમ્બાળકરે કહ્યું છે કે 'જો હું મહાયુતિમાં જોડાઈશ તો પણ મારા જિલ્લામાં મારો સંઘર્ષ ચાલુ રહેશે. મને ખબર નથી કે રાજ્યમાં શું થશે, પરંતુ હું જિલ્લામાં ચૂપચાપ બેસી નહીં રહું. મને રાણા પાટીલનો  એક પણ મત નથી જોઈતો. 

મારે 2019થી 2024 સુધીના ભંડોળની માહિતી મેળવવી જોઈતી હતી. આ કાર્યકાળમાં કોઇ સિલક બાકી નથી. સંસદ સભ્યના ભંડોળનો કાર્યકાળ 5 વર્ષનો છે. મારો કાર્યકાળ હજુ પૂરો થયો નથી છતાં ભંડોળ અંગે પ્રશ્નો કેમ ઉભા થાય છે?'

વધુમાં ઓમરાજેએ જણાવ્યું હતું કે 'ન્યાય  મેળવવા હું રાજકારણમાં આવ્યો. જો ન્યાય નહીં મળે તો હું શું કરીશ એ તમે જોઈ લેજો. જો 2029માં કોઈ બેઠક બાકી નહીં રહે તો હું અપક્ષ તરીકે ચૂંટણી લડીશ. સૂત્રોએ માહિતી આપી છે કે ઓમરાજે નિમ્બાલકરે વલણ અપનાવ્યું છે કે હું ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પછી વિગતવાર વાત કરીશ. 

ઓમરાજેએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું વલણ અપનાવ્યું હોવાથી શું તેઓ આગામી સમયમાં એકનાથ શિંદેના આદેશોની અવગણના કરીને ઝટકો આપશે કે શું એવી અટકળો વ્યક્ત થઈ રહી છે.