Sun Oct 04 2026

Logo

લખપતના મુરચબાણ ગામની સીમમાં ખનિજચોરી પકડવા ગયેલી મહેસૂલી ટીમ પર પથ્થરમારો

2026-09-11 11:55:00
Author: Mumbai Samachar Team
લખપતના મુરચબાણ ગામની સીમમાં ખનિજચોરી પકડવા ગયેલી મહેસૂલી ટીમ પર પથ્થરમારો

AI Image


ભુજ: લખપત તાલુકાના મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનિજચોરી સામે કાર્યવાહી કરવા પહોંચેલી મહેસૂલ વિભાગની ટીમ પર આરોપીઓ દ્વારા ગાળાગાળી કરી છૂટા પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સરકારી ફરજમાં રુકાવટ અને ગેરકાયદેસર ખનન બદલ દયાપર મામલતદાર નવીનચંદ્ર મૂલજી મારુએ ત્રણ શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૪ સપ્ટેમ્બરના મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જ્વલ દ્વારા મુરચબાણ ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર ખનિજચોરી કરતાં ૨ હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં મામલતદાર અને તેમની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી હતી, જ્યાં ખનન માટેના મશીનો અને ટ્રકો હાજર મળી આવ્યા હતા.

મહેસૂલી અધિકારીઓએ સ્થળ પર હાજર રાજુ રબારી, લાખુભા જાડેજા તથા એક અજાણ્યા શખ્સ પાસે બેન્ટોનાઈટ ખનન અને પરિવહનને લગતા કાયદેસરના પાસ-પરમિટ કે આધાર પુરાવા માંગ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા આ શખ્સોએ અધિકારીઓ સાથે ગાળાગાળી કરી છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો અને કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો.

આ બનાવમાં પ્રાંત અધિકારીની સૂચના મુજબ મામલતદારે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાજુ રબારી, લાખુભા જાડેજા અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે આરોપીઓને ઝડપી પાડવા કવાયત આદરી છે.

ઉત્સવ વૈદ્ય