Mon Aug 31 2026

Logo

ઓડિશામાં બસે ઓટોને 100 મીટર સુધી ઘસડી, એક જ પરિવારના 6 ના કમકમાટીભર્યા મોત

2026-05-22 14:25:00
Author: Vimal Prajapati
ઓડિશામાં બસે ઓટોને 100 મીટર સુધી ઘસડી, એક જ પરિવારના 6 ના કમકમાટીભર્યા મોત

ભુવનેશ્વર: ઓડિશાના ગંજામ જિલ્લામાંથી શુક્રવારે સવારે એક અત્યંત દાર્દનાક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કાળજું કંપાવી દેનારો અકસ્માત પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લાડકાપલ્લી ચોક નજીક સર્જાયો હતો, જ્યાં એક બેફામ ઝડપે આવતી ખાનગી બસે પેસેન્જર ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી.

મંદિર દર્શને જઈ રહ્યો હતો પરિવાર

સ્થાનિકોના જાણવ્યાં પ્રમાણે ટક્કર એટલી ભયાનક હતી કે બસ ઓટોને આશરે 100 મીટર સુધી રોડ પર ઘસડી ગઈ હતી, જેના કારણે ઓટોનો કુરચો બોલી ગયો હતો. આ કમનસીબ ઓટો-રિક્ષામાં એક જ પરિવારના 10 સભ્યો સવાર હતા. આ તમામ લોકો સ્થાનિક પ્રસિદ્ધ ‘મા સિંહાસિની મંદિર’ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. પરિવાર ખુશી-ખુશી ઘરની બહાર નીકળ્યો હતો, પરંતુ લાડકાપલ્લી ચોક પાસે કાળ બનીને આવેલી બસે તેમની ખુશીઓને માતમમાં ફેરવી નાખી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ચીસાચીસ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ પણ બસ ચાલકે બ્રેક મારી ન હતી અને તે ઓટોને 100 મીટર સુધી ઢસડી ગયો હતો. અકસ્માત સર્જીને બસ ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ભીષણ ટક્કરમાં ઓટોમાં સવાર વાહનમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહેમત બાદ તમામને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે 6 લોકોના શ્વાસ થંભી ચૂક્યા હતા. હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી.

પોલીસની તપાસ અને હિટ એન્ડ રનની કાર્યવાહી

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અન્ય 4 લોકોને તાત્કાલિક નજીકની કોદલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમની તબિયત વધુ લથડતા અને સ્થિતિ ચિંતાજનક હોવાના કારણે તેમને વધુ સારવાર માટે બ્રહ્મપુરની પ્રખ્યાત MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસે બસચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બસની ઓવરસ્પીડિંગ જ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે.