કટકઃ ઓડિશાના કટકમાં આવેલ એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગમાં ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જુની વીજળી લાઈનમાં શોર્ટ સર્કિટ થતા પહેલા મેડિકલ ઉપકરણ અને બેડ આગની ચપેટમાં આવી ગયાં હતાં. ટ્રોમા સેન્ટરના પહેલા માળે આગ લાગી હતી. આગની ઘટનમાં 10 દર્દીઓના મોત થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. ભીષણ આગના કારણે આ લોકોને બચાવી શકાયા નહોતા.
આગ લાગી ત્યારે ફાયર એલાર્મ સિસ્ટમ એક્ટિવ ના થઈ!
મહત્વની વાત એ છે કે, આ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે 23 દર્દીઓ દાખલ હતા, જેમાં મોટાભાગની દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમાંથી 10 દર્દીઓનું મોત થયું છે, જ્યારે અનેક દર્દીઓ ઘાયલ થયા હતાં. ચોંકાવનારી વાત એ છે કે, આગ લાગી ત્યારે હોસ્પિટલની ફાયર એલાર્મ સિસ્ટમ ચાલુ જ નહોતી થઈ. એટલે આગ લાગ્યાની કોઈને જાણ ના થઈ શકે. જ્યારે સુરક્ષાકર્મીઓ અને નર્સોને આગ લાગ્યાની જાણ થઈ ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઓક્સિજનના કારણે આગ વધારે વિકરાળ બની
સૂત્રોના જમાવ્યાં પ્રમાણે હોસ્પિટલમાં રહેલા ઓક્સિજન સિલિન્ડર, સેનેટાઈઝર અને બેડના કારણે આગ વધારે વિકરાળ બની હતી. ખાસ કરીને ઓક્સિજનના કારણે આગ બેકાબૂ બની હતી. જેથી ફાયર કર્મીઓને આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. વિકરાળ આગના કારણે ભયંકર ધૂમાડાના કારણે કંઈ દેખાતું ના હોવાના કારણે હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બારીએથી બહાર કાઢવા પાડ્યાં હતાં.
મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયા સહાયની ઘોષણા
આ દુર્ઘટનાની જાણ થા ઓડિશાના મુખ્ય પ્રધાન ઘટનાસ્થળ પર તપાસ માટે પહોંચ્યાં હતાં. હોસ્પિટલ આવ્યાં બાદ ઘાયલ દર્દીઓ અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી. આ સાથે સાથે મુખ્ય પ્રધાન દ્વારા મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે આગની ઘટના અંગે તપાસ કરવા માટે આદેશ પણ આપી દીધા છે.