Sun Apr 19 2026

Logo

ઓડિશામાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ; 10થી વધુ દુકાનો બળીને ખાખ, જાણો કેટલું નુકસાન થયું...

2026-03-13 09:17:00
Author: Vimal Prajapati
Article Image

અંગુલઃ ભારતમાં અત્યારે એલપીજીનું સંકટ જોવા મળી રહ્યું છે, તેવામાં ઓડિશાના અંગુલ જિલ્લામાં એક મોટી આગની દૂર્ઘટના સર્જાઈ છે. અહીં એક ટિફિનની દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આગ આખા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે આસપાસની અનેક દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. આગની ઘટના બનતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 

આખા કોમ્પલેક્ષમાં આગ ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, દૂર દૂર સુધી આગનો ધૂમાડો દેખાવા લાગ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયાં હતાં. આગ આખા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગઈ હોવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ સાથે સાથે સ્થાનિકો દ્વારા પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. પરંતુ આગ વધારે ફેલાઈ ગઈ હોવાના કારણે તેને કાબૂમાં લેવા માટે સમય લાગ્યો હતો. 

2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી

ફાયર બ્રિગેડની બે ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગને કાબૂમાં લેવા માટે 2 કલાક જેટલો સમય લાગ્યો હતો. જોકે, આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી. પરંતુ દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગની દુર્ઘટનામાં 10થી પણ વધારે દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.