(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બ્રિટનમાં રહેતા જામનગરના ગુજરાતી અમિત ગઢવીનો મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક થયા પછી અંધેરીમાં રહેતી મહિલાએ 15.72 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી આચરી હતી. લગ્ન કરવાની ખાતરી આપ્યા પછી વિવિધ કારણો રજૂ કરીને મહિલાએ નાણાં પડાવ્યાં હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
બ્રિટનના લેસ્ટર ખાતે રહેતા પંચાવન વર્ષના ગઢવીની ફરિયાદને આધારે ડી. એન. નગર પોલીસે રેખા સોલંકી નામની મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહિલાનું રેખા સોલંકી નામ ખરું છે કે ખોટું તેની પણ પોલીસ ખાતરી કરી રહી છે.
ફરિયાદ અનુસાર મૂળ જામનગરનો ગઢવી છેલ્લાં 20 વર્ષથી બ્રિટનમાં રહે છે અને તેની પાસે ત્યાંનું નાગરિકત્વ પણ છે. 2020માં પત્ની સાથે છૂટાછેડા થયા પછી ગઢવીએ બીજાં લગ્ન માટે એક મેટ્રિમોનિયલ સાઈટ પર પોતાનો પ્રોફાઈલ તૈયાર કર્યો હતો. આ સાઈટ પર સર્ચ કરતી વખતે જુલાઈ, 2020માં ગઢવીની ઓળખ સોલંકી સાથે થઈ હતી. બન્નેએ મોબાઈલ નંબરની આપલે કર્યા પછી વૉટ્સઍપના માધ્યમથી સંપર્કમાં રહેતાં હતાં.
સોલંકીએ પણ પતિથી છૂટાછેડા લઈને દીકરી સાથે રહેતી હોવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન સોલંકીએ લગ્ન માટે હામી ભરી હતી. લગ્ન પહેલાંની મુલાકાત માટે સોલંકી દીકરી સાથે બ્રિટન પણ ગઈ હતી, જ્યાં ગઢવી સાથે રિંગ સેરેમની કરી હોવાનો દાવો ફરિયાદમાં કરાયો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે બ્રિટન આવ-જાની ટિકિટ, વિઝાનો ખર્ચ, અંધેરીના ઘરના ભાડાને બહાને સોલંકીએ નાણાં પડાવ્યાં હતાં. એ સિવાય બ્રિટનથી ભારત પાછા ફરતી વખતે સોલંકીને પાંચ હજાર બ્રિટિશ પાઉન્ડ (5.10 લાખ રૂપિયા) ખર્ચ પેટે ગઢવીએ આપ્યા હતા.
દરમિયાન ફેસબુક પરના એક કોમન મિત્ર પાસે પૂછપરછ કરતાં સોલંકીનાં છૂટાછેડા ન થયા હોવાની જાણ ગઢવીને થઈ હતી. ત્યાર બાદ પણ વિવિધ કારણો બતાવી નવેમ્બર, 2020થી જુલાઈ, 2021 દરમિયાન સોલંકીએ નાણાં પડાવ્યાં હતા. પછી 2022માં સોલંકીએ ગઢવીને વૉટ્સઍપ પર બ્લૉક કરી દીધો હતો. પરિણામે 15.72 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ગઢવીએ કરી હતી.