Wed Jul 29 2026

Logo

નોરા ફતેહીના આઈટેમ સોંગનો વિવાદ વકર્યો, સરકારે ભર્યું આ પગલું

2026-03-17 19:05:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ બોલિવૂડમાં જ્યારે પણ આઈટમ સોંગ રીલિઝ થાય છે ત્યારે એ વિવાદના વંટોળમાં ફસાયા વગર રહેતું નથી. ક્યારેક કોસ્ચ્યૂમને કારણે તો ક્યારેક ગીતના શબ્દોને કારણે, ક્યારેક અશ્લીલતના કારણે તો ક્યારેક અસ્સલ મ્યુઝિકના રાઈટ્સને લઈને. આઈટમ સોંગમાં એક આઈટમ ગર્લ બતાવવાને લઈને પણ ઘણા વિવાદ થયા છે.

બાદશાહના ગીત 'ટટીરી'ના ગીતના શબ્દોને લઈને થયેલા વિવાદ બાદ બાદશાહ સામે કાયદાકીય પગલાં લેવાયા છે. હવે નોરા ફતેહીના નવા ગીત સરકે ચુનર પર તો સરકારે એક્શન જ લઈ લીધું છે. બન્નેમાં ગીતના શબ્દો સાવ ઊતરતી કક્ષાના હોવાનું જાણવા મળ્યું છે, જોકે, નોરાનું ગીત બીજા કોઈ પ્લેટફોર્મ સુધી પહોંચે એ પહેલા જ દૂર કરી દેવા આદેશ કરાયા છે. 

સરકે ચુનર તેરી

નોરા ફતેહીના નવા ગીત સરકે ચુનર પર વિવાદ હવે વેગ પકડી રહ્યો છે. KVN પ્રોડક્શનની ફિલ્મ કેડીઃ ધ ડેવિલ ફિલ્મનું આ ગીત નોરા અને સંજય દત્ત પર શૂટ કરવામાં આવ્યું છે. હવે આ ગીતને લઈને મામલો સૂચના તથા પ્રસારણ મંત્રાલય સુધી પહોંચ્યો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસો.ને ગીતને લઈને વાંધો ઊઠાવ્યો હતો. સૂચના તથા પ્રસારણ મંત્રાલયને લેખિતમાં ફરિયાદ કરી હતી.

આ પછી સરકારે આ ગીતને લઈને તમામ સોશિયલ મીડિયા અને અન્ય વિડિયો પ્લેટફોર્મ પરથી હટાવી લેવા આદેશ આપ્યો છે. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સે એક પત્ર લખ્યો હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ ગીતના શબ્દો યોગ્ય નથી. આ પ્રકારના શબ્દો અને કોન્ટેટ ભારતીય સિનેમાના સ્તરને અનુરૂપ નથી. આ પ્રકારના ખરેખર તો વિવાદને જન્મ આપી રહ્યા છે.વિવાદમાં રહેવા માટે જ જાણે તૈયાર કરાતા હોય એવું આ ચિત્ર છે. 

અશ્લીલતા અને ડબલ મિનિંગ

આ ગીતના શબ્દો જ ડબલ મિનિંગથી શરૂ થઈ રહ્યા છે, જોકે, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ સંઘનો આવો પણ આરોપ છે કે, ગીત અશ્લીલતાનો પ્રચાર કરે છે. આજે દરેક વિડિયો પ્લેટફોર્મ પર બાળકોથી લઈને ટીનેજ સુધી અને વૃદ્ધ સુધીના વયજુથ એક્ટિવ હોય છે, જેમના માટે આ ગીત અને તેનું કોન્ટેટ યોગ્ય નથી. આ ગીત રકીબ આલમ નામના ગીતકારે લખ્યું છે અને માલી નામની કોઈ ગાયકે કંઠ આપ્યો છે.

ગીતમાં ડાન્સ ઓછો અને બીજા નખરા વધારે છે. હિન્દી વર્ઝન તમામ વિડિયો પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યું છે પણ બીજી ભાષામાં તે યુટ્યુબ પર યથાવત છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વર્ઝન કોઈ જ પ્રકારના એડિટ વગર પોસ્ટ થયેલું છે. 

ફુવડ કોન્ટેટ

ગીતમાં નોરાના ડાન્સ કરતા અશ્લીલ ચેનચાળા હોય એવું સ્પષ્ટ થાય છે. આ કોન્ટેટની નોંધ લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે નોટિસ ફટકારી છે. એક સોશિયલ એક્ટિવિસ્ટ અને વકીલે દિલ્હી પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. ગીત સાથે જોડાયેલા લોકો પર એક્શન લેવા પણ માગ કરી છે. આ પ્રકારના લિરિક્સ સમાજમાં લોકોને ગેરમાર્ગે દોરશે એ વાત પર દાવો કરવામાં આવ્યો છે.

મેકર્સે યુટ્યુબ પરથી તો હિન્દી વર્ઝન હટાવી દીધું છે. આ વિવાદને લઈ નોરા ફતેહી, સંજય દત્ત કે ફિલ્મના ડાયરેક્ટરે હજુ સુધી કોઈ ચોખવટ કરી નથી.સોશિયલ મીડિયા પર ફેન્સ નોરાને સલાહ આપી રહ્યા છે કે, કમબેક કરવું જ હતું તો કોઈ સારા ગીત સાથે કર્યું હોત.આવું હલકું ગીત કેમ પસંદ કર્યું?