Sun Oct 04 2026

Logo

મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયા પછી નીતિન ગડકરીએ કોને જવાબદાર ઠેરવ્યા?

2026-09-13 10:58:00
Author: Mumbai Samachar Team
મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયા પછી નીતિન ગડકરીએ કોને જવાબદાર ઠેરવ્યા?

મુંબઈ: મુંબઈમાં આયોજિત 22મા ઇન્ડો-અમેરિકન કોર્પોરેટ એક્સેલન્સ એવોર્ડ્સ સમારોહમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી લગભગ એક કલાક મોડા પહોંચ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે મોડું થવાનું કારણ મુંબઈનો ટ્રાફિક જામ હોવાનું જણાવ્યું અને તેના માટે પોતાને જ જવાબદાર ગણાવ્યા હતા. 

તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્લીથી હોટેલ તરફ આવતા સમયે લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. તેમણે કહ્યું, 'આજે હું આ કાર્યક્રમમાં એક કલાક મોડો પહોંચ્યો છું, કારણ કે વર્લીથી આ હોટેલ સુધી પહોંચવામાં મને એક કલાક લાગી ગયો હતો. પરંતુ તેની ભૂલની કિંમત હું પોતે ચૂકવી રહ્યો છું.'

મલ્ટી-લેવલ ફ્લાયઓવરથી ટ્રાફિક ઘટાડવાનું સૂચન

મુંબઈની હાલની ટ્રાફિક સમસ્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વર્ષ 1992-2000 દરમિયાન તેમણે મુંબઈમાં 55 ફ્લાયઓવર, વર્લી-બાંદ્રા સી લિંક અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સને મંજૂરી અપાવી હતી. તેમના જણાવ્યા અનુસાર તે સમયની ટેક્નોલોજી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ્સ જરૂરી હતા. પરંતુ હવે ટેક્નોલોજીમાં ઘણો વિકાસ થયો છે અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા માટે નવી રીતો અપનાવવાની જરૂર છે.

ભારત-અમેરિકા વચ્ચે સહયોગ વધારવા પર ભાર

કેન્દ્રીય પ્રધાને પોતાના સંબોધનમાં ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દેશના વિકાસની મહત્વપૂર્ણ ચાવી ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી, ઉદ્યોગ અને રોકાણના ક્ષેત્રમાં સહયોગ વધારવાની વિશાળ સંભાવનાઓ છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં મોટી સંખ્યામાં પ્રતિભાશાળી એન્જિનિયરો અને ઉદ્યોગ સાહસિકો છે, જ્યારે અમેરિકાની પાસે ટેક્નોલોજી અને સંસાધનોની મજબૂત ક્ષમતા છે. બંને દેશોની શક્તિઓને સાથે લાવીને ‘વિન-વિન’ સ્થિતિ ઊભી કરી શકાય છે.

તેમણે ઉદ્યોગ સાહસિકતાને રોજગાર સર્જન સાથે જોડતાં કહ્યું કે દેશમાં મૂડીરોકાણ, ઉદ્યોગ અને વ્યવસાયને વધારવા માટે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ, રોજગારની પૂરતી તકો ઊભી કર્યા વિના ગરીબીની સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેમણે ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી ટેક્નોલોજીમાં ભારતની વધતી ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બેટરીની કિંમતમાં ઘટાડો થયો છે અને લિથિયમ-આયન ઉપરાંત સોડિયમ-આયન, ઝિંક-આયન અને એલ્યુમિનિયમ-આયન જેવી વૈકલ્પિક ટેક્નોલોજી પર પણ કામ થઈ રહ્યું છે.

ભાષણના અંતે તેમણે ભારત-અમેરિકા વચ્ચે સહયોગ વધારવામાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે એવોર્ડ મેળવનારા ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ જગતના લોકોને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં ગોવામાં નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા નેશનલ હાઇવેના કામમાં થઈ રહેલા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હાઇવેનું કામ પૂર્ણ થવામાં 16થી 17 વર્ષ લાગી ગયા તે દુર્ભાગ્યપૂર્ણ છે અને આ બાબતે તેમને શરમ અનુભવાય છે.