Mon Oct 05 2026

Logo

ખેડા રેલવે સ્ટેશન પર 2.90 કિલો સોનાની લૂંટનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, ચાર પકડાયા

2026-10-04 16:51:31
Author: Pooja Shah
ખેડા રેલવે સ્ટેશન પર 2.90 કિલો સોનાની લૂંટનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, ચાર પકડાયા

અમદાવાદઃ ખેડા રેલવે સ્ટેશન પર બનેલી સનસનાટીભરી સોનાની લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. પોલીસે લૂંટમાં સંડોવાયેલા તમામ ૪ આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી આશરે રૂ. ૪ કરોડની કિંમતનું ૨.૯૦ કિલો સોનું તેમજ ગુનામાં વપરાયેલી બે કાર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

રાજ્ય સરકારે આ ઘટના અંગે માહિતી આપી હતી તે શનિવારે અનુસાર સાંજે આશરે ૫:૦૦ વાગ્યાના અરસામાં ખેડા રેલવે સ્ટેશન પર સોનાની લૂંટની ઘટના બની હતી. ભોગ બનનારે હિંમત દાખવી આરોપીઓનો પીછો કર્યો હતો અને તેમના વાહનનો ફોટો પાડી લીધો હતો. જીઆરપી ખેડા દ્વારા તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસી શંકાસ્પદ વાહન અને આરોપીઓ અંગે સ્ટેટ કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો હતો. આ વિગતો સાંજે આશરે ૭:૩૦ વાગ્યે અમદાવાદ ગ્રામ્ય પોલીસને પ્રાપ્ત થઈ હતી.

વિગતો મળતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક રૂટ મેપિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબરના એસડીઆરના આધારે બનાસકાંઠા કનેક્શન સામે આવ્યું. એલસીબી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે પોતાના બાતમીદાર નેટવર્ક દ્વારા  કારનું સચોટ લોકેશન શોધી કાઢ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કારની પાછળ નંબર પ્લેટ વગરની અન્ય એક કાર પણ આવી રહી હતી. સંભવિત રૂટ સાચાણા અને વિરમગામ તરફનો હોવાનું જણાતાં એલસીબી અને વિરમગામ ટાઉન પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી દીધી હતી. 

કાર વિરમગામ ટાઉનમાં પ્રવેશે તે પહેલાં જ એલસીબીના હિમાંશુ અને વિરમગામ ટાઉન પોલીસના સિદ્ધરાજે સમયસૂચકતા વાપરી ટ્રક અને અન્ય વાહનો આડા મૂકી રસ્તો બ્લોક કરી દીધો હતો અને એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે લૂંટાયેલા સોના સાથે અન્ય ત્રણ આરોપીઓ કારમાં આગળ નીકળી ગયા છે.પોલીસ ટીમે પકડાયેલા આરોપી મારફતે કારમાં સવાર આરોપીઓનું લોકેશન મેળવી તેમને તે તરફ બોલાવ્યા હતા. બાતમી મળતાં જ પીઆઈ એસ.એ. ગઢવી, પીઆઈ પરેશા જાની, વિરમગામ ટાઉન અને એલસીબીની ટીમોએ સ્થળ પર પહોંચી ટિયાગો કારને કોર્ડન કરી લીધી હતી. 

ભાગવાના પ્રયાસમાં આરોપીઓએ કાર પીઆઈ એસ.એ. ગઢવીની ગાડી સાથે અથડાવી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ રિવર્સ ગિયરમાં કાર ભગાવવાનો પ્રયાસ કરતાં પીઆઈ એસ.એ. ગઢવીએ જીવના જોખમે દોડીને ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ તેમને ચાલુ વાહને આશરે ૫૦૦ મીટર સુધી ઢસડ્યા હતા. અત્યંત જોખમી સ્થિતિ વચ્ચે પણ અસાધારણ હિંમત દાખવી પીઆઈ ગઢવીએ ચાલુ ગાડીનો દરવાજો ખોલી, સ્ટીયરીંગ પર કાબૂ મેળવી ઈમરજન્સી હેન્ડબ્રેક ખેંચી ગાડી અટકાવી દીધી હતી.

અન્ય પોલીસ જવાનોએ તુરંત પહોંચી કારમાં સવાર આરોપીઓને દબોચી લીધા હતા. આ દરમિયાન એક આરોપી ખેતરોમાં ભાગી જતાં પોલીસે કોર્ડન કરી તેને પણ ઝડપી પાડ્યો હતો.કારના સીટ કવરની અંદરથી છુપાવેલી હાલતમાં મળી આવેલું લૂંટ કરેલું આશરે ૪ કરોડની કિંમતનું અંદાજે ૨.૯૦ કિલોગ્રામ સોનું તથા ગુનામાં વપરાયેલા બે વાહનો ટાટા ટિયાગો કાર અને મારુતિ બલેનો કાર સહિતના મુદ્દામાલને જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.