Mon Aug 31 2026

Logo

નેપાળ-તિબેટ સરહદે પૂરનો તાંડવ; મૃત્યુઆંક લગભગ 400 સુધી પહોંચ્યો, 1400થી વધુ લોકો લાપતા

Kathmandu   2026-08-28 08:11:00
Author: Vimal Prajapati
નેપાળ-તિબેટ સરહદે પૂરનો તાંડવ; મૃત્યુઆંક લગભગ 400 સુધી પહોંચ્યો, 1400થી વધુ લોકો લાપતા

કાઠમંડુઃ હિમાલયના સરહદી વિસ્તારોમાં હિમાની નદી તૂટવા અને ભૂસ્ખલનને કારણે આવેલી અચાનક પૂરની હોનારતે નેપાળ અને તિબેટમાં ભારે તારાજી સર્જી છે. કાદવ અને પાણીના પ્રચંડ બહાવમાં અનેક મકાનો, પૂલ અને મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે. પૂરની તીવ્રતા ઓછી થયા બાદ હવે સરહદના બંને તરફ બે અસ્થાયી સરોવરો બની જતાં ફરી એકવાર પૂરનું જોખમ ઊભું થયું છે, જેને લઈને નેપાળ અને ચીને એલર્ટ જાહેર કર્યું છે.  

નેપાળ અને તિબેટમાં ભારે તારાજી સર્જાઈ

આ કુદરતી આફતમાં મૃત્યુઆંક 389થી વધીને 400ની નજીક પહોંચી ગયો છે, જ્યારે 1,400થી વધુ લોકો હજુ પણ લાપતા છે. રાહત અને બચાવ ટુકડીઓ કાદવમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત મથી રહી છે. હોનારતનો ભોગ બનેલા મોટાભાગના લોકો હિમાલય ક્ષેત્રમાં ટ્રેકિંગ, ગાઇડેડ ટૂર કે કૈલાશ માનસરોવર યાત્રા માટે આવેલા વિદેશી પ્રવાસીઓ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

વિગત અને લાપતા નાગરિકોની સંખ્યા

મૃતકો અને લાપતા લોકોની વિગતે વાત કરવામાં આવે તો, નેપાળમાં કુલ 359 લોકોના મોત થયાં અને  1,400થી વધુ લોકો લાપતા થયાં છે જેમાં વિદેશીઓ, સ્થાનિક પ્રવાસીઓ, સુરક્ષાકર્મી અને રસુવા-નુવાકોટના રહીશો સામેલ છે. વિગતે જોઈએ તો, 288 ભારતીયો સંપર્ક વિહોણા (કૈલાશ યાત્રાળુઓ અને 73 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ વર્કર્સ) થયાં છે. 90 અમેરિકન નાગરિકો લાપતા, યુક્રેનના 55 અને મલેશિયાના 51 નાગરિકો લાપતા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાના 39, બ્રિટનના 33 અને કેનેડાના 25 પ્રવાસીઓ પણ લાપતા છે. ઈટાલી, કઝાકિસ્તાન, પોર્ટુગલ, આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સના 2-2 લોકો; જ્યારે ફિનલેન્ડ, ઈઝરાયેલ, સ્વિટ્ઝરલેન્ડ સહિત 10 અન્ય દેશોના 1-1 નાગરિક પણ અહીં લાપતા થયાં છે.

 

50થી વધુ વિદેશી નાગરિકોને એરલિફ્ટ કરીને બચાવી લીધા

બચાવ અને રાહત કાર્યની વાત કરવામાં આવે તો, નેપાળ સરકારે અત્યાર સુધીમાં 50થી વધુ વિદેશી નાગરિકોને એરલિફ્ટ કરીને બચાવી લીધા છે. હવામાન સુધરતા જ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી દુર્ગમ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. અત્યારે પણ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ભારત સરકાર પણ નેપાળ સરકાર સાથે મળીને બચાવ અને રાહતકાર્યમાં મદદ કરી રહી છે.