Wed Jun 24 2026

Logo

NEET-UG પેપર લીકઃ વિદ્યાર્થીઓની આત્મહત્યા બદલ શું બોલ્યા શિક્ષણ પ્રધાન?

2026-06-24 08:38:09
Author: Vimal Prajapati
Article Image

Dharmendra Pradhan


નવી દિલ્હીઃ દેશભરમાં ચર્ચા જગાવનાર NEET-UG પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા જે શિક્ષકોને પેપર સેટ કરવાની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે પોતાના કર્તવ્યનું યોગ્ય પાલન કર્યું નથી તેવું શિક્ષણ પ્રધાને સ્વીકાર્યું હતું. આક્રોશ વ્યક્ત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘જે રક્ષક હતા, તેઓ જ ભક્ષક બની ગયા છે’ આ સાથે જ તેમણે પેપર લીકની ઘટના બાદ આઘાતમાં આવીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓ મામલે સંવેદનશીલતા દર્શાવતા આ દુઃખદ ઘટનાઓ માટે પોતાને પણ જવાબદાર ગણાવ્યા છે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ

નીટ પેપર લીક કેસની તપાસમાં બહાર આવેલા ગંભીર મુદ્દાઓ પર પહેલીવખત શિક્ષણ પ્રધાને નિવેદન આપ્યું છે. વધુમાં શિક્ષણ પ્રધાને કહ્યું કે, NTA એ જે ગણતરીના શિક્ષકો પર ભરોસો મૂકીને પેપર તૈયાર કરવાની જવાબદારી આપી હતી, તેમણે જ એજન્સી અને લાખો વિદ્યાર્થીઓનો ભરોસો તોડ્યો છે. રક્ષકની ભૂમિકામાં રહેલા લોકોએ જ ભક્ષક બનીને દેશના હોનહાર બાળકોના ભવિષ્ય સાથે ગંભીર ખીલવાડ કર્યો છે.

CBI તપાસમાં મોટા ખુલાસો કરવામાં આવ્યો

શિક્ષણ પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, પી. વી. કુલકર્ણી, મનીષા મંધારે અને મનીષા હવાલદાર આ ત્રણેય આરોપીઓ અનુક્રમે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના પ્રશ્નપત્રો લીક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. સીબીઆઈ આ મામલે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે અને નેટવર્કના અન્ય તાર શોધી રહી છે.

બાળકોની આત્મહત્યા મામલે શું બોલ્યાં શિક્ષણ પ્રધાન?

આ મામલે વાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘જે બાળકોએ આ તણાવમાં આવીને પોતાનો જીવ ગુમાવ્યો છે, તેના માટે અમે પણ જવાબદાર છીએ. હું છેલ્લા 5 વર્ષથી ભારતના શિક્ષણ વિભાગની જવાબદારી સંભાળી રહ્યો છું. જ્યારે પણ કોઈ નાના બાળક કે બાળકીના આપઘાતના સમાચાર આવે છે, ત્યારે હું મારી જાતને કોસું છું કે આપણે કેવી વ્યવસ્થા ચલાવી રહ્યા છીએ કે બાળકોને જીવ આપવો પડે છે!’ જો કે, મહત્વની વાત એ છે કે, નીટનું પેપર લીક થયું અને ફરી પરીક્ષા લેવામાં આવી તે પછી પહેલી વખત આવું નિવેદન આપ્યું છે.