Mon Aug 31 2026

Logo

NEET પેપર લીકઃ ચાર્જશીટ લીક થતા કોર્ટે CBI અને મીડિયા સમક્ષ વ્યક્ત કરી  નારાજગી

2026-08-12 21:37:55
Author: Mumbai Samachar Team
NEET પેપર લીકઃ ચાર્જશીટ લીક થતા કોર્ટે CBI અને મીડિયા સમક્ષ વ્યક્ત કરી  નારાજગી

ચાર્જશીટ મીડિયામાં લીક થવા અને સગીર સાક્ષીઓના નામ જાહેર થવા અંગે રાઉઝ એવન્યુ કોર્ટે વલણ અપનાવ્યું સખત

નવી દિલ્હીઃ નીટ પેપર લીક મામલે કોર્ટમાં કેસ ચાલુ છે, જ્યારે એના સંબંધમાં દેશ આખામાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. NEET પેપર લીક કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન, આ કેસમાં ચાર્જશીટ લીક થવાનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોર્ટે ચાર્જશીટ લીક થવાને મોટો ઝટકો ગણાવીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મીડિયામાં સાક્ષીઓના નામ આવવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટના ફાસ્ટ-ટ્રેક કોર્ટના સ્પેશિયલ જજ અજય ગુપ્તાએ ટિપ્પણી કરી હતી કે 'આ અંગે હવે કંઈક કરવાની જરૂર છે'.

શું હતો આખો મામલો?

જે વસ્તુઓ ચર્ચામાં નથી આવી પણ તે ચાર્જશીટનો જ એક ભાગ છે. આ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ એક સંવેદનશીલ મામલો છે. આ વિષય પર અસરકારક પગલાં લેવામાં આવે તે અનિવાર્ય છે.આ મીડિયા સહિત જે તે ક્ષેત્રના દરેક સંબંધિત અધિકારીઓની, વ્યક્તિઓની જવાબદારીમાં આવે છે. આ અંગેની ટ્રાયલમાં કોઈ પ્રકારના ભેદભાવ ન થાય એ પણ જોવાનું છે. 

આ સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે આગળ ટિપ્પણી કરી હતી. હું ફક્ત એક વાત કહી રહ્યો છું. ખુલ્લી અદાલતમાં... જુઓ, મીડિયાની પણ જવાબદારી છે. આપણા બધાની જવાબદારી છે. ટ્રાયલ ફોજદારી કાયદા દ્વારા નિર્ધારિત રીતે જ થવી જોઈએ. કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં, તેથી હું દરેકને વિનંતી કરીશ કે જો આવી રિપોર્ટિંગ થઈ રહી હોય, તો તેઓએ આવી પ્રથાઓમાં સામેલ ન થવું જોઈએ.

વકીલે કઈ બાબતનું ઘ્યાન દોર્યું?

હકીકતમાં, સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા વકીલે ધ્યાન દોર્યું હતું કે સાક્ષીઓના નામ જેમાંથી કેટલાક સગીર છે. મીડિયામાં જાહેર કરવામાં આવ્યા હતા. તે પછી કોર્ટે આ અવલોકન કર્યું. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે આનાથી તેમના કેસ પર અસર પડી શકે છે. મીડિયાએ ચાર્જશીટ કોર્ટમાં દાખલ થાય તે પહેલાં જ તેની નકલ મેળવી લીધી હતી. 

કોર્ટે કહ્યું કે તે રિપોર્ટની તપાસ કરાશે અને જરૂરી કાર્યવાહી નક્કી કરશે. નોંધનીય છે કે, સીબીઆઈએ NEET-UG પેપર લીક કેસમાં આશરે 20,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 13 વ્યક્તિઓના નામ આરોપી તરીકે છે. ચાર્જશીટમાં સીબીઆઈ જણાવ્યું છે કે ત્રણ વિષય નિષ્ણાતોએ દિલ્હીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ઓફિસમાંથી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને NEET પરીક્ષાના પ્રશ્નો લીક કર્યા હતા. 

એજન્સીના વલણ સામે સવાલ

કોર્ટને જાણ કરવામાં આવી હતી કે, આ વિભાગ છોડ્યા પછી આરોપીઓ આ કરી શક્યા હતા. ન્યાયાધીશ અજય ગુપ્તાએ સીબીઆઈની ચાર્જશીટની નોંધ લીધી છે અને જણાવ્યું છે કે ચાર્જશીટ ઘડવા અંગે દલીલો 13 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા પણ કોર્ટે નીટ પરીક્ષાનું પેપર લીક થતા મહત્ત્વની ટકોર કરી હતી. 

કેસને લઈને હવે તપાસ એજન્સી સામે પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને સુરક્ષા બાબતે અને દસ્તાવેજોને સુરક્ષિત રાખવા મુદ્દે કોર્ટે તપાસ એજન્સીના આ વલણની ખાસ નોંધ લીધી છે.