Tue Jun 23 2026

Logo

જયપુરમાં NEET પરીક્ષામાં AIથી નકલનો પ્રયાસ! અંડરગાર્મેન્ટમાં મોબાઈલ છુપાવી પહોંચેલી વિદ્યાર્થિની ઝડપાઈ

2026-06-22 21:12:17
Author: Vimal Prajapati
Article Image

જયપુરઃ ભારતની લાખો વિદ્યાર્થીઓએ ગઈ કાલે NEET-UG 2026ની પરીક્ષા આપી હતી. આ દરમિયાન અનેક નવા વિવાદ પ્રકાશમાં આવ્યાં છે. રાજસ્થાનના જયપુરમાં રવિવારે યોજાયેલી NEET-UG 2026ની રી-એક્ઝામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બિંદાયકા સ્થિત એક પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થિની અન્ડરગારમેન્ટ્સમાં મોબાઈલ છુપાવીને પરીક્ષા હોલમાં પહોંચી ગઈ હતી અને AI ટેક્નોલોજીની મદદથી પેપર સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેને પકડી લેવામાં આવી છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ કેસમાં આ વિદ્યાર્થિનીને આજે કોર્ટમાં લઈ જવામાં આવી હતી. તેણીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે, તેણી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી, કારણ કે તેણીને ફક્ત તેના કાર્યોથી શરમ આવતી નહોતી, પરંતુ તે સિસ્ટમને પણ છેતરવામાં સફળ રહી હતી. પોલીસે આ કેસમાં આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મોબાઇલ અંડરગાર્મેન્ટમાં છુપાવીને કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો

પોલીસ તપાસ પ્રમાણે, પરીક્ષા કેન્દ્રમાં જે પરીક્ષક હાજર હતા તેમને વિદ્યાર્થિની પર શંકા ગઈ હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો. જ્યારે તેની સાથે કડક ભાષામાં પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, વિદ્યાર્થીનીએ તેના શર્ટના બટનો નીચે તેના અંડરગાર્મેન્ટમાં મોબાઇલ ફોન છુપાવી દીધો હતો.

ચોકાવનારી વાત એ છે કે, આ વિદ્યાર્થિની એઆઈની મદદથી પ્રશ્નોના જવાબ લખવા માટે મોબાઈલ લઈને પરીક્ષા આપવા માટે આવી હતી. પરંતુ પરીક્ષા કેન્દ્ર બહાર જેમર લાગેલા હોવાના કારણે તેનો પ્લાન ફેલ થઈ ગયો હતો. તેના ફોનમાંથી નીટના પેપરના ફોટો પણ મળી આવ્યાં હતાં.

મેટલ ડિટેક્ટરે બે વાર ચેતવણી આપી હતી પરંતુ...

સૌથી મોટો સવાલ એ છે કે, પરીક્ષા કેન્દ્રમાં જતા પહેલા દરેક વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી, તો પછી આ છોકરી મોબાઈલ લઈને અંદર કઈ રીતે જઈ શકી? મેટલ ડિટેક્ટરના દાવા અહીં પોકળ સાબિત થયા કહેવાય! જોકે, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે વિદ્યાર્થિની પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશી રહી હતી ત્યારે મેટલ ડિટેક્ટરે બે વાર ચેતવણી આપી હતી.

તેણીએ સુરક્ષા કર્મચારીઓને કહ્યું કે તેના અંડરગાર્મેન્ટ પર હૂક હોવાને કારણે ચેતવણી આપવામાં આવી હતી. જેથી કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી! પરંતુ પ્રશ્ન ફરી એજ કે કોઈ મહિલા કર્મચારી દ્વારા કેમ તેની તપાસ કરવામાં ના આવી? શું બીજા કોઈ પરીક્ષાર્થીઓ આવી રીતે ચોરી કરી હશે? તેવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે, પરંતુ તંત્ર પાસે આનો કોઈ જવાબ નહીં હોય તેવા પણ અનેક લોકો દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. 

મોબાઈલને તપાસ કરવા માટે ફોરેન્સિક લેબમાં મોકલાયો

આ કેસમાં પોલીસે મોબાઈલને તપાસ કરવા માટે ફોરેન્સિક લેબમાં મોકલી દીધો છે. જેનો રિપોર્ટ આવશે તે પછી ખ્યાલ આવશે કે પરીક્ષામાં જવાબ લખવા માટે ફોનનો ઉપયોગ થયો હતો કે કેમ?જો કોઈ વ્યક્તિને પેપરના ફોટો મુકવામાં આવ્યાં હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. અત્યારે તો આ આખા કેસનો ભાર ફોરેન્સિક ટેસ્ટ પર નિર્ભર છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે વિદ્યાર્થી ઉપરાંત પરીક્ષા કેન્દ્રના અધિક્ષક અને ફરજ પરના સ્ટાફ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.