Fri Jun 26 2026

Logo

મહારાષ્ટ્ર વિધાનસભામાં સના મલિકના નિવેદનથી રાજકારણ ગરમાયું; ભાજપ-શિવસેના આક્રમક, કોંગ્રેસ-ઠાકરે જૂથ બચાવમાં

2026-06-26 16:18:57
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વિધાનસભ્ય સના મલિક દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનના કારણે હોબાળો મચી ગયો હતો. એનસીપી વિધાનસભ્ય સના મલિકે બહુપત્નીત્ત્વ પર આપેલા નિવેદનથી તે પોતાના જ ચક્રવ્યૂહમાં ઘેરાઈ ગયા હતા. મહાયુતિના નેતાઓએ સના મલિકના આ નિવેદનની આકરી નિંદા કરી હતી. શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા શાઈના એનસીએ મલિકના નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે 'યુસીસીની જરૂરિયાત છે કારણ કે હિન્દુ, શીખ અને ખ્રિસ્તી દરેકને એક સમાન ન્યાય મળવો જોઈએ. હું સના મલિકને ફક્ત એક પ્રશ્ન પૂછવા માગુ છું કે શું પતિને ચાર વાર લગ્ન કરવાની પરવાનગી આપશો?'.

શાઈના એનસીએ સના મલિક પર કર્યા આકરા પ્રહારો 
શાઈના એનસીએ કહ્યું કે એક તરફ વડા પ્રધાન મોદી છે, જેમણે તીન તલાકનો અંત લાવીને મુસ્લિમ મહિલાઓને વધારે સન્માન અને સુરક્ષા આપી છે. બીજી તરફ સના મલિક છે જે બહુપત્નીત્વ પર વિવાદિત નિવેદન આપી રહી છે. આગળ તેમણે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત આ રિવાજની પરવાનગી છે અને સરકારને ધાર્મિક પર્સનલ લો બોર્ડમાં દખલગીરી ન કરવી જોઈએ. સરકાર દખલગીરી કેમ ન કરે? શું એક સમાન નાગરિક સંહિતા (યુસીસી) ન હોવી જોઈએ, જેનું સન્માન અને પાલન કરવામાં આવે? મુસ્લિમ પર્સનલ લોને તપાસ વગર સ્વીકાર ન કરી શકાય. 

કુરાનનું પાલન કરવું તો એક વાત છે, પણ લગ્ન, તલાક, વારસો અને અન્ય નાગરિક બાબતોને સમાનતા અને ન્યાયની નજરથી જોવું જોઈએ. આ ક્ષેત્રોમાં સુધારા કરવાના કોઈ પણ પ્રયાસો  ફક્ત વોટ-બેંકની રાજનીતિ પ્રત્યે નમાવવાનું બતાવે છે. હું સનાને વિનંતી કરીશ કે તે પોતાના નિવેદન પર વિચાર કરે, કેમ કે આવા નિવેદન ભારતની મહિલાઓના અપમાન બરાબર છે. બહુપત્નીત્વ ભૂતકાળનો એક રિવાજ અને વિચાર છે. આધુનિક અને પ્રગતિશીલ સમાજમાં આનું કોઈ સ્થાન નથી. 

સના મલિકનું વિવાદાસ્પદ નિવેદન 
એનસીપી વિધાનસભ્યા સના મલિકે બુધવારે પોતાના એ નિવેદનનો બચાવ કર્યો હતો, જે તેમણે મુસ્લિમ મહિલાઓ પર 'તીન તલાક'ના કારણે થનારા અત્યાચારો પર મંગળવારે વિધાનસભામાં થયેલી ચર્ચામાં ભાગ લેતા આપ્યું હતું. આ નિવેદનમાં સના મલિકે કહ્યું હતું કે, 'જો કુરાનમાં કોઈ વાત કહેવામાં આવી છે અને તેને પાકિસ્તાન સાથે લાગુ કરવામાં આવે છે, તો અમે માંગ કરીએ છે કે તેને ભારતમાં પણ લાગુ કરવામાં આવવો જોઈએ.' 

સના મલિકે કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો અનુસાર બહુપત્નીત્વની પરવાનગી છે અને આ લોને લાગુ કરવા માટે અમુક પગલાં પણ લેવામાં આવ્યા હતા. આ રિવાજને  ફક્ત એક સમુદાયના દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ. મુસલમાનો પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નોમાં તેમણે કહ્યું, 'શું દરેક પ્રકારના શોષણ ફક્ત મુસ્લિમ મહિલાઓ સાથે જ થાય છે? ઇસ્લામમાં બહુપત્નીત્વની પરવાનગી આપવામાં આવેલી છે. આ રિવાજની મુસ્લિમ કાયદાઓમાં પણ પરવાનગી છે અને આનો ઉલ્લેખ કુરાનમાં પણ કરવામાં આવ્યો છે.'

દરમિયાન સના મલિકના નિવેદનને લઈ ભાજપએ પણ ટીકા કરી હતી, જ્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના તેમના બચાવમાં આવ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના નેતા અસલમ શેખે કહ્યું હતું કે પાકિસ્તાનનું નામ સૌથી પહેલા ભાજપના વિધાનસભ્યએ લીધું હતું, સના મલિકે નહીં. ભાજપએ જાણી જોઈને તોડી મરોડીને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આદિત્ય ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ભાજપની પાસે ફક્ત જનતાના અસલી મુદ્દાના જવાબ નથી, તેથી બિનજરુરી વિવાદ ઊભા કરે છે. આદિત્ય ઠાકરેએ કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાજપના રાજમાં જો કોઈ ખતરામાં છે તો સામાન્ય હિંદુઓ.