Wed Jun 10 2026

Logo

મમતા મરી પરવારી... ગર્ભપાત કરવા ન મળતાં પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે તેની હત્યા કરી

2026-06-10 18:42:39
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: નવી મુંબઈમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં માતાની મમતા મરી પરવારી હોય તેમ પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ તેનું ગળું દબાવી દીધું હતું. પ્રાથમિક તબીબી અહેવાલને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી માતાની ધરપકડ કરી હતી. બીજા સંતાનની દેખભાળ માટે સક્ષમ ન હોવાથી આવું પગલું ભર્યું હોવાનો આંચકાજનક દાવો આરોપી માતાએ કર્યો હતો.

તુર્ભે પોલીસે ધરપકડ કરેલી આરોપીની ઓળખ અશ્ર્વિની યોગેશ ચંદનશિવે (23) તરીકે થઈ હતી. અશ્ર્વિનીને દોઢ વર્ષની દીકરી છે અને તેને બીજા સંતાનની ઇચ્છા નહોતી. અનિચ્છાએ જન્મ આપવો પડ્યો હોવાથી તેણે આવું ઘાતકી પગલું ભર્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અશ્ર્વિની પતિ અને દીકરી સાથે તુર્ભેમાં ખૈરાને એમઆઈડીસી નજીકના શ્રમિક નગરમાં રહેતી હતી. બીજા સંતાનને જન્મ આપવાની તેની ઇચ્છા નહોતી. એટલે ગર્ભવતી હોવાની જાણ થતાં તે ગર્ભપાત સંબંધી સલાહ માટે ડૉક્ટર પાસે ગઈ હતી. જોકે ગર્ભને સાત મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી ગર્ભપાત શક્ય ન હોવાનો અભિપ્રાય ડૉક્ટરે આપ્યો હતો.

આરોપીનાં માતા-પિતા અને સાસુ-સસરા હયાત નથી. વળી, તેનો પતિ ટ્રક ડ્રાઈવર હોવાથી કામ નિમિત્તે બુલઢાણામાં હતો. પરિણામે આરોપી ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં હતી ત્યારે મહિના અગાઉ દેખભાળ માટે ભાભી તેની સાથે રહેવા આવી હતી.
ઘટનાના પાંચ દિવસ અગાઉ અશ્ર્વિનીએ બાળકને જન્મ આપ્યો હતો. સોમવારની બપોરે બાળક સાથે ઘરમાં એકલી હતી ત્યારે તેણે બાળકનું ગળું દબાવ્યું હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આઠમી જૂનની બપોરે અઢી વાગ્યાથી સાંજે 5.45 દરમિયાન બની હશે.

સાંજે ભાભી ઘરે આવી ત્યારે બાળક કોઈ હિલચાલ કરતો ન હોવાનું જોયું હતું. તરત જ બાળકને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે બાળક મૃત્યુ પામ્યો હોવાનું કહ્યું હતું. તબીબી અધિકારીએ ગળું દબાવવાને કારણે બાળકનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

કહેવાય છે કે ઘરે પહોંચ્યા પછી ભાભીએ આ અંગે પૂછપરછ કરી હતી. વાતચીત દરમિયાન અશ્ર્વિનીએ પોતે કરેલા કૃત્યની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં પણ આરોપીએ કબૂલ્યું હતું કે પોતે સંભાળ રાખી શકે એમ ન હોવાથી બીજું સંતાન ઇચ્છતી નહોતી. ફરિયાદ અને તપાસ દરમિયાન મળેલા પુરાવાને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી.