Sun Sep 06 2026

Logo

ચોરની શંકા પરથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો: ચારની ધરપકડ

2026-02-26 19:02:00
Author: Yogesh C. Patel
ચોરની શંકા પરથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો: ચારની ધરપકડ

થાણે: નવી મુંબઈ ગયેલા માનખુર્દના યુવાનને ચોરની શંકા પરથી બેરહેમીથી ફટકારી મારી નાખવામાં આવ્યો હોવાની ઘટના બનતાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ પ્રીતમ ભરત ભોઈર (26), શિવાજી શંકર ડુંબરે (57), અમોલ રમેશ ગુંજાલ (31) અને સંકેત જગતાપ તરીકે થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ મુંબઈના માનખુર્દ પરિસરમાં રહેતો સંદીપ લક્ષ્મીકાંત વિશ્ર્વકર્મા (31) 15 ફેબ્રુઆરીથી ગુમ હતો. બીજે દિવસે તેનો મૃતદેહ રબાળે એમઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવ્યો હતો.

પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં ઢોરમાર મારવાથી થયેલી ઇજાને કારણે વિશ્ર્વકર્માનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું. પોલીસે વિશ્ર્વકર્માના મોબાઈલ ફોનના રેકોર્ડ તપાસ્યા હતા. 15 ફેબ્રુઆરીએ તે વાશીમાં હતો અને છેલ્લે એક ભંગારવાળા સાથે તેણે વાત કરી હતી, એવું પોલીસને જાણવા મળ્યું હતું.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન પૉઈન્ટ્સ (ડીપી) અને વાયર કથિત રીતે ચોરતાં વિશ્ર્વકર્માને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં આરોપીઓએ ઢોરમાર મારતાં તેનું મૃત્યુ થયું હતું. પછી તેના મૃતદેહને એક રિક્ષામાં મ્હાપે એમઆઈડીસી લઈ જવાયો હતો, જ્યાં નાળા નજીક મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે તાબામાં લીધેલા રિક્ષા ડ્રાઈવર જગતાપે કબૂલ્યું હતું કે વિશ્ર્વકર્માને ચોરી કરતાં પકડવામાં આવ્યો હતો. જગતાપ અને તેના ત્રણ સાથીએ કરેલી મારપીટમાં તેનું મૃત્યુ થયું હતું. જગતાપે આપેલી માહિતી પરથી તેના ત્રણેય સાથીને પકડી પાડવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)