મુંબઈ: નવી મુંબઈમાં લોકલ ટ્રેનમાં માતૃત્વને કલંકિત કરતી ઘટના બની છે. એક મહિલા પોતાના 15 મહિનાના માસૂમ બાળકને અન્ય પ્રવાસીઓ પાસે છોડીને ફરાર થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ આ મહિલા લોકલ ટ્રેનના દરવાજા પાસે બેઠી હતી. તેણે ટ્રેનમાંથી ઉતરવા માટે બે અન્ય મહિલા પ્રવાસીઓ પાસે મદદ માંગી હતી, કારણ કે તેના એક હાથમાં નવજાત શિશુ હતું અને બીજા હાથમાં બેગ હતી, જે મહિલા મુસાફરો પાસે તે મહિલાએ મદદ માંગી હતી, તેઓને એક સ્ટેશન પહેલા જ ઉતરવાનું હતું, પરંતુ તેઓએ આ મહિલાની મદદ કરવા માટે આગળના સ્ટેશન સુધી જવાનો નિર્ણય લીધો હતો. આ નવજાતની માતા લોકલ ટ્રેનમાંથી ઉતરવાને બદલે દરવાજા પાસે ઊભી રહી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્ટેશન આવતા મદદ કરનારી બંને મહિલાઓ પ્રવાસી ટ્રેનમાંથી પહેલા જ ઉતરી ગઈ હતી અને અન્ય મહિલાના બાળકને તેમની પાસે પકડી રાખ્યું હતું. પરંતુ નવજાત બાળકની માતા ટ્રેનમાંથી ઉતરવાની જગ્યાએ દરવાજા પર જ ઉભી રહી હતી અને તે પોતાનો સામાન સમેટતી હોય તેવું વર્તન કરવા લાગી હતી.
એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. અન્ય મુસાફર મહિલાઓને લાગ્યું કે આ મહિલા કદાચ ટ્રેનમાંથી ભૂલમાં ઉતરી શકી નહીં હોય અને ફરી પરત તે સ્ટેશન પર આવશે, પરંતુ તે પરત આવી નહોતી.
ત્યાર બાદ બન્ને મહિલા પ્રવાસી બાળકને લઈને પોલીસ પાસે પહોંચી અને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું હતું. ત્યાર પછી પોલીસે મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અલગ અલગ સ્ટેશનો પર સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ કર્યા બાદ પોલીસને જાણકારી મળી કે મહિલા સીવુડ્સ સ્ટેશનથી પાંચ સ્ટેશન આગળ ખાંડેશ્વર સ્ટેશન ઉતરી હતી, જેથી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલા ખાંડેશ્વર સ્ટેશને ઉતરી હોવાનું શોધી કાઢ્યું છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.