Thu Oct 01 2026

Logo

આજથી ચાર દિવસ સરકારી બેંકો બંધ, શુક્રવારે બેંકોમાં હડતાળ, શનિ-રવિ બેંક બંધ, સોમવારે ગણેશ ચતુર્થીની રજા

2026-09-11 09:23:46
Author: Mumbai Samachar Team
આજથી ચાર દિવસ સરકારી બેંકો બંધ, શુક્રવારે બેંકોમાં હડતાળ, શનિ-રવિ બેંક બંધ, સોમવારે ગણેશ ચતુર્થીની રજા

નવી દિલ્હીઃ બેંક યૂનિયનોએ સપ્તાહમાં પાંચ દિવસ બેંકિંગ અને અન્ય પડતર માંગણીઓને લઇને શુક્રવારે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળના કારણે દેશના ઘણાં ભાગોમાં બેંકિંગ સેવાઓ, ખાસ  કરીને સરકારી બેંકોમાં ચાર દિવસ કામકાજ પ્રભાવિત રહેશે. 

11 સપ્ટેમ્બરે શુક્રવારે હડતાળ છે, 12 સપ્ટેમ્બરે (બીજો શનિવાર), 13 સપ્ટેમ્બર (રવિવાર)  અને  14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની રજા છે. જેથી મોટાભાગની સરકારી બેંકોએ પોતાના ગ્રાહકોને હડતાળથી કામકાજ પર પડનારી સંભવિત અસર અંગે જાણકારી આપી દીધી છે. 

ભારતીય સ્ટેટ બેંક સહિત મોટાભાગની બેંકોએ પહેલેથી જ ગ્રાહકોને ચેતવ્યા હતા કે હડતાળને કારણે બેંકોની શાખાઓમાં કામકાજ પ્રભાવિત થઇ શકે છે. જો કે બેંક પ્રબંધને જરુરી સેવાઓ સમાન્ય રાખવાની વ્યવસ્થા કરી છે. પરંતુ રોકડનું સંકટ અને ચેક ક્લિયરિંગમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. 

બેંક કર્મચારીઓ કેમ કરી રહ્યા છે હડતાળ?

બેંક કર્મચારીઓની સૌથી મોટી માંગ 5-ડે બેંકિગને લઇને છે. બેંક યૂનિયનની માંગણી છે કે સપ્તાહમાં ફક્ત 5 દિવસ કામ થાય અને દર શનિવારે રજા મળે. હાલ ફકત બીજા અને ચોથા શનિવારે જ બેંક બંધ રહે છે. પહેલા અને ત્રીજા શનિવારે બેંકો ખુલ્લી રહે છે. 

બેંક બંધ હોય તો ઘેર બેઠા કેવીરીતે પતાવશો જરુરી કામ?

બેંક ભલે બંધ હોય, પરંતુ કામ નહીં અટકે. તમે ડિજિટલ બેંકિંગથી પોતાના બધા કામ સરળતાથી પૂરા કરી શકો છો.
Google Pay, PhonePe, Paytm અને UPI દ્વારા પૈસા મોકલવા કે પેમેન્ટ કરવાનું ચાલુ રહેશે
કેશની જરૂરિયાત હોય તો નજીકના ATM કે ADWM મશીનોનો ઉપયોગ કરી શકો છો. કારણ કે કેશ ભરવાનું કામ અલગ એજન્સીઓની પાસે હોય છે. 
ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને બિલ પેમેન્ટ જેવી ઓટોમેટેડ સર્વિસ પણ કોઇ પણ જાતના અવરોધ વગર ચાલુ રહેશે. 
પૈસા મોકલવા માટે NEFT, RTGS અને IMPS જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો. 
વીજળી પાણીનું બિલ, મોબાઇલ રિચાર્જ અને અન્ય પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકો છો.  
ખરીદી કે પેટ્રોલ પંપ પર ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પણ કરી શકાય છે.