Tue Jun 23 2026

Logo

મંત્રાલયમાં ઈન્ટરવ્યૂ પછી નોકરીને નામે 7.65 લાખ રૂપિયા પડાવ્યા

2026-06-22 19:09:23
Author: Yogesh C Patel
Article Image

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પીએ પ્રભાકર કાળે પર પણ આક્ષેપ: જોકે તેની કોઈ ભૂમિકા ન હોવાનો પોલીસનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મંત્રાલયમાં ઈન્ટરવ્યૂ લીધા પછી ફોરેસ્ટ ગાર્ડની નોકરી અપાવવાને બહાને નાંદેડના યુવાન પાસેથી 7.65 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ રૅકેટમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પીએ પ્રભાકર કાળેની સંડોવણીના પણ આક્ષેપ થયા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં તેની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
નવી મુંબઈના તળોજા ખાતે રહેતી સામાજિક કાર્યકર વર્ષા ભુતાળે (40)એ આ મામલે 15 જૂને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે વિશ્ર્વનાથ ગચ્છે સહિત પાંચ જણ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે મંત્રાલયમાં સારી ઓળખાણ હોવાનો દાવો આરોપીએ કર્યો હતો. ફરિયાદીના એક સગાને સરકારી નોકરી અપાવવાની ખાતરી આરોપીએ આપી હતી. આ માટે નાંદેડમાં રહેતા યુવકને ઈન્ટરવ્યૂ માટે મંત્રાલયમાં બોલાવવામાં આવ્યો હતો.કહેવાય છે કે મંત્રાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર યુવકનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને પછી આરોપીએ ફોરેસ્ટ ગાર્ડ તરીકેની નોકરી મળી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. બાદમાં આરોપીને બોગસ એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે નોકરી સંબંધી તબીબી તપાસ માટે યુવકને દક્ષિણ મુંબઈની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એપોઈન્ટમેન્ટ લેટર અને ટ્રેનિંગ લેટર આપીને યુવકને નાગપુર, નાશિક અને સાતારા સહિતના સ્થળે તાલીમ માટે લઈ જવાયો હતો. જોકે કોઈ પણ તાલીમ આપ્યા વિના યુવકને સાતારામાં છોડી આરોપી પાછા મુંબઈ ફર્યા હતા.નોકરીને નામે છેતરપિંડી કરાઈ હોવાનું જણાતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આરોપીએ ઑનલાઈન ટ્રાન્ઝેક્શનથી 7.25 લાખ રૂપિયા અને 40 હજારની રોકડ સ્વીકારી હતી.

આ કેસમાં પ્રભાકર કાળેની સંડોવણીનો આક્ષેપ કરાયો હતો. જોકે વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ આ પ્રકરણે તપાસ અધિકારીએ કેસ સંબંધી પ્રાપ્ત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. એ સિવાય અત્યાર સુધીની તપાસમાં કાળેની સંડોવણી જણાતી નથી.