મુંબઈ: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનનું માનવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સ્પિનર્સ બોલને સ્પિન કરવાનો પ્રયાસ કરતા નથી કારણ કે તેમણે નાની ઉંમરથી આ કૌશલ્ય શીખ્યું નથી અને ટુર્નામેન્ટ દરમિયાન તે કલા શીખવી અશક્ય છે.
મુરલીધરને કહ્યું હતું કે આજકાલ સ્પિનર્સ બોલને ટર્ન કરવા અને બેટ્સમેનોને વિચારવા માટે મજબૂર કરવાની કળા શીખતા નથી, કારણ કે તેઓનું ધ્યાન ફક્ત વિવિધતા મારફતે રન રોકવા પર રહે છે.
મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની છ વિકેટની જીત બાદ મુરલીધરને કહ્યું હતું કે ઘરેલુ ક્રિકેટમાં પણ સ્પિન બોલરો માટે પરિસ્થિતિ આવી જ રહી છે. જ્યારે અમે ક્રિકેટ રમતા હતા ત્યારે સ્પિનર તરીકે તમારે બોલને ટર્ન કરવો પડતો હતો. તે તમારો પ્રાથમિક ઉદ્દેશ્ય રહેતો હતો. આજકાલ તે મુખ્ય વાત રહી નથી કારણ કે દરેક વ્યક્તિ ટેસ્ટ ક્રિકેટ રમવા વિશે વિચારી રહ્યો નથી. તેઓ વન-ડે ક્રિકેટ રમવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
નાની ઉંમરે પણ તેઓ ફક્ત ઝડપી બોલિંગ કરવાનો અને બોલમાં વિવિધતા ઉમેરવાનો પ્રયાસ કરે છે, તેને ટર્ન કરાવવાનો નહીં. નાની ઉંમરે આ ક્ષમતા તેમને પ્રાપ્ત થઈ ન હોવાથી તેઓ 18 કે 19 વર્ષની ઉંમરે બોલ સ્પિન કરવાનો પ્રયાસ કરી શકતા નથી, કારણ કે તેમની શારીરિક ટેવો પહેલાથી જ એવી જ બની ગઈ છે.
મુરલીધરને કહ્યું હતું કે, "જ્યારે તમે 10, 11 કે 12 વર્ષના હોય ત્યારે બોલ ટર્ન કરાવવાનો પ્રયાસ કરે. અમે આ રીતે શીખ્યા. બેટ્સમેનને છેતરવા માટે આપણે બોલને ટર્ન કરવાની જરૂર છે. આઈપીએલમાં સ્પિનરો સામે બેટિંગ કરવી એ "થ્રો-ડાઉન નિષ્ણાતો" સામે પ્રેક્ટિસ કરવા જેવું છે કારણ કે તેમાં ફક્ત બોલની લાઈનમાં આવીને જોરથી મારવાનું હોય છે.