Thu Apr 30 2026

Logo

ટ્રૅવિસની તડાફડી પછી ક્લાસેને કાળો કેર વર્તાવ્યોઃ હૈદરાબાદ વધુ મજબૂત, મુંબઈ ડગુમગુ

2026-04-29 23:51:00
Author: Ajay Motiwala
Article Image

PTI


મુંબઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં વાનખેડેમાં બુધવારે મુંબઈ ઇન્ડિયન્સને છ વિકેટથી હરાવીને પ્લે-ઑફ માટેની રેસમાં મુંબઈનું ટકવું વધુ મુશ્કેલ બનાવી દીધું હતું. 244 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે હૈદરાબાદે 18.4 ઓવરમાં ચાર વિકેટે 249 રન બનાવ્યા હતા. પૉઇન્ટ્સ-ટેબલમાં અગાઉ ચોથા સ્થાન સુધી આવ્યા બાદ પ્રગતિ કરી હતી. અગાઉ વાનખેડેમાં હૈદરાબાદનો મુંબઈ સામે હાર-જીતનો રેશિયો 7-2નો હતો જે હવે હૈદરાબાદની જીત સાથે સુધરીને હવે 7-3નો થઈ ગયો છે.

ટ્રૅવિસ હેડ (76 રન, 30 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) અને હિન્રિક ક્લાસેન (65 અણનમ, 30 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) હૈદરાબાદના બે ટૉપ-સ્કોરર હતા. જોકે આ જીતમાં અભિષેક શર્મા (45 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નું પણ સારું યોગદાન હતું. સલિલ અરોરા (30 રન, 10 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) ક્લાસેનની સાથે અણનમ રહ્યો હતો.

PTI

હૈદરાબાદે (Hyderabad) લક્ષ્યાંક મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત કરી હતી અને આઠમી ઓવરના અંત સુધી બધુ બરાબર ચાલી રહ્યું હતું, પણ નવમી ઓવરમાં અફઘાનિસ્તાનના સ્પિનર ગઝનફરે અભિષેક શર્માને આઉટ કર્યો હતો. 129મા રન પર આઉટ થતાં તે પૅવિલિયનમાં જઈને માંડ ઠરીઠામ થયો ત્યાં તો એ જ ટોટલ પર ઇશાન કિશન (0) તેની બાજુમાં આવીને ગોઠવાઈ ગયો હતો. તે ગઝનફરના બૉલ પર ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ગઝનફર હૅટ-ટ્રિક લેવામાં સફળ નહોતો થયો. ત્યાર પછીની ઓવર ખુદ હાર્દિકે કરી હતી જેમાં તેણે ટ્રૅવિસ હેડની વિકેટ લીધી હતી. તેને હાર્દિકે વિલ જૅક્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. જોકે મુંબઈના રાયન રિકલ્ટન અને વિલ જૅક્સ વચ્ચે 7.1 ઓવરમાં 93 રનની જે ભાગીદારી થઈ હતી એની સામે ટ્રૅવિસ-અભિષેક (ટ્રૅવિષેક)ની જોડીએ 8.4 ઓવરમાં 129 રનની પાર્ટનરશિપ કરી હતી.

PTI

એ પહેલાં, તળિયાના સ્થાનવાળા મુંબઈ (Mumbai)ને પ્લે-ઑફની રેસમાં ટકી રહેવા વિજયની ખાસ જરૂર હતી અને એની તલાશમાં હાર્દિક પંડ્યાની ટીમે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 243 રન બનાવીને હૈદરાબાદને 244 રનનો લક્ષ્યાંક મેળવવાનો પડકાર આપ્યો હતો. રાયન રિકલ્ટન (123 અણનમ, પંચાવન બૉલ, આઠ સિક્સર, દસ ફોર) આ દાવનો સુપર હીરો હતો. હાર્દિકે 15 બૉલમાં 31 રન અને નમન ધીરે 17 બૉલમાં બાવીસ રન કર્યા હતા. રિકલ્ટન આ વખતની આઇપીએલમાં સેન્ચુરી ફટકારનાર ક્વિન્ટન ડિકૉક અને તિલક વર્મા પછી મુંબઈનો ત્રીજો ખેલાડી બન્યો હતો. રોહિત હજીયે અનફિટ હોવાને લીધે નહોતો રમ્યો. ક્વિન્ટન ડિકૉક કાંડાની ઈજાને કારણે નહોતો રમ્યો અને ટીમમાં ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઉપરાંત રિકલ્ટન તથા રૉબિન મિન્ઝને સમાવવામાં આવ્યા હતા.

MI

વિલ જૅક્સને આ વખતે પહેલી જ વખત રમવાનો મોકો મળ્યો અને તેણે બાવીસ બૉલમાં ત્રણ છગ્ગા તથા પાંચ ચોગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. તે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ તેણે રિકલ્ટન સાથે 93 રનની ભાગીદારી કરી હતી. રિકલ્ટને નમન સાથે પંચાવન રનની, હાર્દિક સાથે 56 રનની તેમ જ તિલક સાથે 11 રનની અને આ વખતે પહેલી વખત રમાડવામાં આવેલા રૉબિન મિન્ઝ સાથે 11 રનની અતૂટ ભાગીદારી કરી હતી. હૈદરાબાદના પ્રફુલ્લ હિન્ગેએ બે તેમ જ નીતીશ, એશાન મલિન્ગા અને સાકિબ હુસૈને એક-એક વિકેટ લીધી હતી.

ગુરુવારે કઈ મૅચ?

ગુજરાત વિરુદ્ધ બેંગ્લૂરુ
અમદાવાદ, સાંજે 7.30