Wed Apr 29 2026

Logo

ત્રણ ગુજરાતી ખેલાડીઓએ ભારતને ટેબલ ટેનિસમાં જિતાડ્યું

London   2026-04-28 22:41:48
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ અહીં શરૂ થયેલી વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ (TT) ચૅમ્પિયનશિપ્સમાં મંગળવારે ભારતના પુરુષોની ટીમે ટ્યુનિશિયાની ટીમને 3-0થી કચડી નાખી હતી અને ભારતને આ જ્વલંત વિજય ત્રણ ગુજરાતી ખેલાડીઓએ અપાવ્યો હતો. માનુષ શાહ, માનવ ઠક્કર અને હરમીત દેસાઈએ ભારત વતી ઇંગ્લૅન્ડમાં આ પરાક્રમ કરી બતાવ્યું હતું.

મહિલાઓના વર્ગમાં ભારતને વૉકઓવર મળી હતી. યુગાન્ડાની ટીમ મૅચ માટે સમયસર ન આવતાં ભારતની મહિલા ટીમને 3-0થી વિજેતા ઘોષિત કરાઈ હતી. પુરુષોની કૅટેગરીમાં ટ્યૂનિશિયા (Tunisia) સામે ભારતને પ્રથમ મૅચમાં વિજય અપાવ્યો હતો માનુષ શાહે. તેણે એસિદ વાસિમને 3-1થી (11-5, 9-11, 11-3, 11-5) હરાવ્યો હતો.

ત્યાર બાદ વિશ્વમાં 38મી રૅન્ક ધરાવતા માનવ ઠક્કરે યોસેફ એઇદલીને 11-3, 11-3, 11-3થી પરાજિત કર્યો હતો. આ મુકાબલો વન-સાઇડેડ રહ્યો હતો અને ત્યાર બાદ પણ ભારતનો વિજયરથ અટક્યો નહોતો.

હરમતી દેસાઈએ અબુબાકર બૉરાસને 11-5, 11-4, 11-8ના સ્કોર સાથે આસાનીથી હરાવી દીધો હતો.