Thu Apr 30 2026

Logo

રોહિત શર્માના આ રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, જાણો કેટલી છે નેટવર્થ

2026-04-30 11:28:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો આજે 39મો જન્મદિન છે. વર્લ્ડ ક્રિકેટમાં હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીટ ક્રિકેટમાં એવા ઘણા રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવા આજે કોઈપણ ખેલાડી માટે અશક્ય છે.

રોહિત શર્માના રેકોર્ડ

વન ડે ઈતિહાસમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરઃ વર્ષ 2014માં શ્રીલંકા સામે રોહિત શર્માએ 173 બોલમાં 264 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 

વન ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનારો વિશ્વનો એક માત્ર બેટ્સમેનઃ  વન ડેમાં બેવડી સદી ફટકારવા ઘણા ક્રિકેટરો તરસે છે ત્યારે રોહિત શર્માએ આ કારનામું ત્રણ વખત કર્યું છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લૂરુમાં 209, કોલકાતામાં શ્રીલંકા સામે 264 રન અને મોહાલીમાં શ્રીલંકા 208 રનની ઈનિંગ રમી હતી.

એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માએ 9 ઈનિંગમાં 5 સદી ફટકારી હતી. જે કોઈ ખેલાડી દ્વારા એક વર્લ્ડકપમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. રોહિતે વર્લ્ડ કપમાં 7 સદી ફટકારી છે.

કેપ્ટનશિપમાં 1 વર્ષમાં 2 ICC ટ્રોફીઃ રોહિત શર્મા માત્ર બેટ્સમેન જ નહીં પરંતુ એક સફળ કેપ્ટન પણ છે. તેની આગેવાનીમાં ભારતે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. ઉપરાંત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ જીતી હતી. 12 મહિનાની અંદર બે આઈસીસી ટાઈટલ જીતીને તેણે આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સઃ રોહિતને હિટમેનનું બિરુદ એમ જ નથી મળ્યું. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 637 સિક્સ મારવાનો રેકોર્ડ છે.  આ મામલે તેણે ક્રિસ ગેલને પણ પાછળ રાખ્યો છે. આ ઉપરાંત ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં તે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. તેણે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 4231 રન બનાવ્યા છે. તેમજ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સિક્સની સદી ફટકારનારો વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે.

કેટલી છે રોહિત શર્માની નેટવર્થ
રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ધનિક ખેલાડીઓ પૈકીનો એક છે. રિપોર્ટ પ્રમાણે તેની કુલ નેટવર્થ 233 કરોડ રૂપિયાથી વધારે છે. રોહિતની કમાણીની વાત કરીએ તો મુખ્ય આવક બીસીસીઆઈ અને આઈપીએલમાંથી મળતો તગડો પગાર છે. રોહિત શર્મા લાંબા સમયથી બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ટોપ કેટેગરીમાં છે. આ ઉપરાંત વર્તમાન આઈપીએલ સેલરીની વાત કરવામાં આવે તો 16.30 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તે ઘણી બ્રાંડનું એન્ડોર્સમેંટ કરે છે, તેનાથી પણ સારી કમાણી થાય છે.

રોહિત શર્માનું આલીશાન ઘર

જો રોહિત શર્માના ઘરની વાત કરીએ તો તે કોઈ મહેલથી ઓછું નથી. રોહિત શર્મા મુંબઈના પોશ વિસ્તાર વરલીમાં સ્થિત 'આહુજા એપાર્ટમેન્ટ્સ' ના 29મા માળે રહે છે. રોહિત શર્માના આ ઘરની કિંમત આશરે 40 કરોડ રૂપિયા છે. રોહિતનું આ ઘર 6,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે.  આ ઘર સંપૂર્ણપણે સ્માર્ટ હોમ ઓટોમેશન ટેકનોલોજીથી સજ્જ છે.

રોહિત શર્માનું કાર કલેક્શન

રોહિત શર્મા ભારતના એવા ક્રિકેટરોમાંના એક છે જેમને લક્ઝરી કારનો શોખ છે. રોહિતને ખાસ કરીને સ્પોર્ટ્સ કાર ખૂબ જ પસંદ છે. રોહિતના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે લેમ્બોર્ગિની ઉરુસથી લઈને ટેસ્લા જેવી કારો છે. રોહિતની સૌથી મનપસંદ કાર લેમ્બોર્ગિની ઉરુસ છે, જેની કિંમત આશરે ₹4.50 કરોડ છે. આ ઉપરાંત, તેમની પાસે મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, બીએમડબલ્યુ એમ-5, રેન્જ રોવર, ટોયોટા ફોર્ચ્યુનર અને ટેસ્લા મોડલ વાય જેવી ગાડીઓ છે.