સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર અને પ્રમુખ પદ માટે લોબિઈંગ તેજ, 4 મેથી પાર્લામેન્ટરી બોર્ડની મળશે બેઠક
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યા પછી ભાજપે સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓમાં ભાજપને જીત મળી છે ત્યાં હોદ્દેદારો નક્કી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. તેના ભાગરૂપે ભાજપ દ્વારા રાજ્યભરમાં આવતીકાલથી સેન્સ (એટલે પાર્ટી દ્વારા કોઈ વિસ્તાર માટે ઉમેદવાર નક્કી કરતા પહેલા સ્થાનિક કાર્યકરો, નેતાઓ અને સંગઠનના સભ્યો પાસેથી "અભિપ્રાય" લેવાની પદ્ધતિ) લેવાની ક્વાયત શરૂ કરાશે.
સેન્સ બાદ મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નિમેલા નિરીક્ષકો 1 થી 3 મે દરમિયાન મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ તેમજ તાલુકા પંયાચતોમાં ચૂંટાયેલા ભાજપના જન પ્રતિનિધિઓને મળીને કોને મેયર અને પ્રમુખપદ સહિતના હોદ્દા આપવા તે અંગે રજૂઆતો સાંભળશે. આ સેન્સ પ્રક્રિયા અંગેનો અહેવાલ પ્રદેશ મોવડીમંડળને અપાયા પછી 4, 5 અને 6 મે એમ ત્રણ દિવસ માટે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે એવી શક્યતા છે.
ક્યારે નામ પર મારવામાં આવશે મહોર
હાલમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત સમગ્ર પ્રધાનમંડળ અને ભાજપના ટોચના હોદ્દેદારો પણ સુરતમાં છે. સુરતમાં 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થશે. આ ઉપરાંત 1 અને 2 મેના રોજ દક્ષિણ ગુજરાત માટેની રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાશે. આ બંને મહત્વના કાર્યક્રમો પાર પડે પછી એક દિવસનો વિરામ લઈને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં હોદ્દેદારોના નામો પર આખરી મહોર મારવામાં આવશે.
અત્યારથી શરૂ થયું લોબિઈંગ
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી કરાયેલાં નામો પર મંજૂરીની મહોર મરાય પછી ભાજપના જન પ્રતિનિધિઓને મેન્ડેટ અપાશે. રાજ્યભરમાં શુક્રવારથી યોજાનારી સેન્સ પ્રક્રિયા પહેલાં ભાજપમાં લોબિઈંગ શરૂ થઈ ગયું છે. રાજ્યભરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ માટે દાવેદારો સક્રિય થઈ ગયા છે અને પોતાનો નંબર લાગે એ માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પહેલીથી 3 મે દરમિયાન યોજાનારી સેન્સ પ્રક્રિયા અંતર્ગત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમ જ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદ તેમજ અન્ય કમિટી માટેના દાવેદારોની રજૂઆતો સાંભળશે. નિરીક્ષકો સ્થાનિક સ્તરે જઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના આગેવાનો પાસેથી અભિપ્રાય મેળવશે.
ભાજપમાં સામાન્ય રીતે હોદ્દેદારોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવે છે કે જેથી આંતરિક મતભેદો ટાળી શકાય અને સંગઠનમાં વિખવાદ ના થાય. સેન્સના આધારે નક્કી થયેલાં અંતિમ નામો અંગે મેન્ડેટ અપાય પછી સંબંધિત સંસ્થાઓની સામાન્ય સભામાં ઔપચારિક રીતે મંજૂરી આપી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દેખાવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 393માંથી 353 સ્થાનિક સંસ્થાઓમાં વિજય મેળવીને સત્તા કબજે કરી હતી. ભાજપે 15 મહાનગરપાલિકાઓમાં બે તૃતીયાંશથી વધુ બહુમતી સાથે જીત મેળવી હતી જ્યારે 84 નગરપાલિકાઓમાંથી 76 નગરપાલિકા કબજે કરી હતી. આ ઉપરાંત 34 જિલ્લા પંચાયતોમાંથી 33 અને 260 તાલુકા પંચાયતોમાંથી 229 પર કબજો મેળવી ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.