Thu Apr 30 2026

Logo

મુંબઈ ઈન્ડિયન્સની હાર અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલ: શું પર્સનલ લાઈફ ટીમ પર ભારે પડી?

2026-04-30 15:27:00
Author: Mayurkumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026ના 41મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 249 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આઈપીએલ પોઈન્ટ ટેબલમાં હાલ મુંબઈ છેલ્લેથી બીજા (9મા) ક્રમે છે અને પ્લેઓફમાં પહોંચવાનું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ અને વ્યક્તિગત બાબતોને લઈ ચર્ચામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર મુંબઈની હારના બદલે હાર્દિકની પર્સનલ લાઈફ ટ્રેન્ડ થઈ રહી છે. મુંબઈએ આઈપીએલ સીઝનની પ્રથમ મેચ જીતી હતી, ત્યાર પછી એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં હાર્દિકની ગર્લફ્રેન્ડ બસમાંથી ઉતરીને સીધી જ તેના તરફ દોડી હતી અને ભેટી પડી હતી. 

આ મામલો અહીંથી જ નહોતો અટક્યો. એવા પણ અહેવાલ સામે આવ્યા કે, હાર્દિકની ગર્લફ્રેન્ડ સાથે હોવાથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બસને આશરે 20 મિનિટ સુધી રાહ જોવી પડ હતી. જોકે આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ પ્રકારના અહેવાલ અને ડ્રેસિંગ રૂમના માહોલ તથા ટીમ સ્પિરિટને લઈ ચર્ચા શરૂ થઈ છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર બીજો એક ટ્રેન્ડ શરૂ થયો છે, જે મુજબ જ્યારથી માહિકા શર્મા સ્ટેડિયમમાં આવી છે ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સ એક પણ મેચ જીતી શક્યું નથી. ક્રિકેટ ચાહકોએ હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલ પણ ઉઠાવ્યા છે. ભલે આ અતિશયોક્તિ લાગતી હોય પરંતુ ફેન્સ હવે તેને ટીમના પ્રદર્શન સાથે જોડીને જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જીતી ત્યારે હાર્દિક અને તેની ગર્લફ્રેન્ડની જશ્ન મનાવતી તસવીર વાયરલ થઈ હતી. હાર્દિક પંડ્યાને '3D ખેલાડી' કહેવામાં આવે છે - બેટ, બોલ અને કેપ્ટનશિપ. પરંતુ આ સિઝનમાં ત્રણેય વિભાગોમાં તેનો પ્રભાવ મર્યાદિત જણાયો છે. તેણે 7 ઇનિંગ્સમાં 128 રન બનાવ્યા છે અને બોલિંગમાં માત્ર 4 વિકેટ લીધી છે.

આ આંકડા પોતે જ ચિંતાનો વિષય છે, પરંતુ અસલી સમસ્યા આનાથી પણ ઊંડી છે - 'રોલ' (ભૂમિકા)ની અસ્પષ્ટતા. ક્યારેક હાર્દિક ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે, તો ક્યારેક ફિનિશરની ભૂમિકા ભજવે છે. બોલિંગમાં પણ આવી જ સ્થિતિ છે - ક્યારેક નવા બોલથી શરૂઆત કરે છે, તો ક્યારેક ડેથ ઓવરોમાં પ્રયોગો કરે છે.

આ અસ્થિરતાની અસર આખી ટીમ પર પડી રહી છે. જ્યારે કેપ્ટન પોતે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટ હોતો નથી, ત્યારે ટીમનું કોમ્બિનેશન અને વ્યૂહરચના બંને નબળા પડી જાય છે. આ જ કારણ છે કે મુંબઈ ઈન્ડિયન્સ જેવી સફળ ફ્રેન્ચાઈઝી આ સિઝનમાં વેરવિખેર જોવા મળી રહી છે.