Wed Jul 08 2026

Logo

નાણાકીય વર્ષ 2027માં ભારતીય ક્રૂડ બાસ્કેટના સરેરાશ ભાવ બેરલદીઠ 120 ડૉલર રહે તો વૃદ્ધિદર છ ટકા સુધી ઘટી શકેઃ ઈવાય

2026-04-29 19:10:38
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2027માં ભારતીય ક્રૂડતેલના બાસ્કેટમાં જો સરેરાશ ભાવ બેરલદીઠ 120 ડૉલર આસપાસ રહે તો દેશનો જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિદર ઘટીને છ ટકા આસપાસ અને ફુગાવો રિઝર્વ બૅન્કની નિર્ધારિત છ ટકા કરતાં ઊંચી સપાટીએ રહે તેવી શક્યતા અર્નેસ્ટ ઍન્ડ યંગ (ઈવાય) ઈન્ડિયાએ વ્યક્ત કરી છે. 

ઈવાય ઈન્ડિયાના ચીફ પૉલિસી એડવાઈઝર ડીકે શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની કટોકટી જળવાઈ રહે તો ક્રૂડતેલના સરેરાશ ભાવમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા નીતિવિષયક હસ્તક્ષેપનો અવકાશ ઓછો હોવા છતાં નીતિઘડવૈયાઓએ રિપો રેટમાં વધારો કરવાની દિશામાં વિચારણા કરવાની ક્રૂડતેલના પુરવઠાના સ્રોત વિકેન્દ્રિત કરવાની જરૂર છે. 

જો નાણાકીય વર્ષ 2027માં ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટ (આઈસીબી) અથવા તો સરેરાશ ભાવ બેરલદીઠ 120 ડૉલર આસપાસ રહે તો દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર છ ટકા સુધી ઘટી શકે છે અને ગ્રાહક ભાવાંકલક્ષી ફુગાવો છ ટકા સુધી વધી શકે છે. આમ રાજકોષીય ખાધ પરની માઠી અસરને મર્યાદિત રાખવા માટે એનર્જી અથવા તો ઈંધણનો મોટાભાગનો ભાવવધારો રિટેલરો પર પસાર કરવો જોઈએ, એમ શ્રીવાસ્તવાએ ઉમેર્યું હતું. 

યુએસ એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઈઆઈએ)એ એપ્રિલ, 2026ના ઈઆઈએ શોર્ટ ટર્મ એનર્જી આઉટલૂક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં ક્રૂડતેલના સરેરાશ બેરલદીઠ 81 ડૉલર હતા તે બીજા ત્રિમાસિકગાળામાં વધીને બેરલદીઠ 115 ડૉલર સુધી પહોંચ્યા હતા. જોકે, ભાવમાં વધારો કટોકટી અનુસાર થયો હતો, પરંતુ ભવિષ્યમાં ભાવ ઘટે તેવી શક્યતા પણ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટે ભારતના વૃદ્ધિદરનો અંદાજ 6.5 ટકા મૂક્યો છે, જ્યારે એશિયન ડેવલોપમેન્ટ બૅન્ક (એડીબીએ) અને વર્લ્ડ બૅન્કે અનુક્રમે 6.9 ટકા અને 6.6 ટકા વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો છે. વધુમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આ મહિનાના આરંભે નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં નાણાકીય વર્ષ 2027ના વૃદ્ધિદરનો અંદાજ વર્ષ 2026ના 7.6 ટકા સામે ઘટાડીને 6.9 ટકા મૂક્યો હતો અને રિઝર્વ બૅન્કે નાણાકીય વર્ષ 2027માં સરેરાશ ફુગાવાનો દર 4.6 ટકા આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો હતો. 

ઈવાય ઈકોનોમી વૉચ અહેવાલમાં શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિબળો દર્શાવે છે કે પશ્ચિમ એશિયાની કટોકટી ટૂંકા ગાળાના સંઘર્ષની અપેક્ષા કરતાં વધુ ટકી શકે છે. તેનો ઉકેલ આવ્યા પછી પણ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના પુરવઠાની સ્થિતિ સામાન્ય થવામાં નોંધપાત્ર સમય લાગશે. 

જેને કારણે ભારતનો વિકાસ દર 6.5 ટકા કરતાં ઘટી શકે છે અને ફુગાવો પણ રિઝર્વ બૅન્કના નિર્ધારિત બેઝલાઈન કરતાં વધી શકે છે, એમ અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2027માં આઈસીબી અને ક્રૂડતેલના સરેરાશ ભાવ બેરલદીઠ 95 ડૉલર કરતાં વધુ રહેવાની સંભાવના છે. તેમ છતાં નાણાકીય વર્ષ 2027માં પ્રતિકૂળ સ્થિતિમાં પણ ભારતનો વૃદ્ધિદર વૈશ્વિક વૃદ્ધિદરની સરખામણીમાં બમણો રહેવાની ધારણા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.