મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જોવા મળતી ટ્રાફિક જામની સમસ્યામાંથી સામાન્ય જનતા જ નહીં, પણ સેલિબ્રિટીઝ, રાજકારણીઓ પણ પરેશાન છે. હાલમાં જ મુંબઈથી પુણે જઈ રહેલી મરાઠી એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીએ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જતાં નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે મુંબઈથી પુણે જઈ રહેલી જાણીતી મરાઠી અને હિન્દી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં અટવાઈ પડી હતી. માનખુર્દ પાસે નિર્માણાધીન બ્રિજનો પિલર પડી જવાને કારણે સર્જાયેલાં આ જામમાં એક્ટ્રેસ કલાકો સુધી ફસાયેલી રહી હતી. આ અકસ્માતને કારણે મુંબઈથી પુણે જનારા વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
સોનાલી કુલકર્ણીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તે માનખુર્દ બ્રિજ પર છેલ્લાં પાંચ કલાકથી ફસાયેલી છે અને ગાડીને પાછી વાળવાનો પણ કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. તમારી જાણકારી માટે કે મંગળવારની રાત્રે માનખુર્દ પાસે રોડ નિર્માણ માટે લાવવામાં આવેલી ક્રેનનો એક ભાગ પડી જવાથી આ ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી રહી છે.
અભિનેત્રીએ ટ્રાફિક કંટ્રોલ ટીમને ફોન કર્યો હતો, પરંતુ તેમણે પણ આ ટ્રાફિક જામ ખૂબ જ લાંબો હોઈ એક્ટ્રેસને ધીરજ રાખવાની સલાહ આપી હતી. એટલું જ નહીં કન્ટ્રોલ રૂમ દ્વારા એક્ટ્રેસને આ જામ ક્યારે ક્લિયર થશે એ બાબતે પણ કોઈ માહિતી આપવામાં અસમર્થતા દર્શાવી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...