Thu Apr 30 2026

Logo

સુરતમાં આવતીકાલથી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આરંભ થશે

2026-04-30 17:27:39
Author: Mayur Kumar
Article Image

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં આવતીકાલથી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આરંભ થશે. સમિટને લઈ વહીવટીતંત્રએ ધામા નાખ્યા છે.  ૧ અને ૨ મે-૨૦૨૬ ના રોજ ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત)માં એક વિશિષ્ટ રિવર્સ બાયર-સેલર મીટ યોજાશે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.  

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ સિંઘ પુરી તથા જલ શક્તિ પ્રધાન સીઆર પાટીલ, દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સના ત્રીજા સંસ્કરણમાં હાજરી આપશે. 

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સાથે-સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની તકોને એક જ મંચ પર લાવશે. લગભગ 12,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ એક્ઝિબિશનમાં દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક શક્તિ અને વૈવિધ્યપૂર્ણ ક્ષમતાનું વ્યાપક પ્રદર્શન કરવામાં આવશે, જેમાં એમએસએમઈથી લઈને વૈશ્વિક કંપનીઓ સુધીના ભાગીદારો સામેલ થશે.

એફઆઈઈઓએ ગુજરાત સ્થિત એમએસએમઈ નિકાસકારો સાથે જોડાવા માટે યુકે, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, યુએઈ વગેરે સહિત ૧૫ થી વધુ દેશોના ૪૫ થી વધુ વિદેશી ખરીદદારોને આમંત્રિત કર્યા છે. આ આરબીએસએમ વેપાર માટેની વિશેષ મુલાકાતોની સુવિધા પૂરી પાડશે, જેનાથી પ્રાદેશિક ઉદ્યોગો માટે અર્થપૂર્ણ વેપારી સંબંધો બાંધવાની અને નિકાસની તકો સર્જાશે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આરબીએસએમ ટેક્સટાઇલ અને ગારમેન્ટ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ અને એગ્રો પ્રોડક્ટ્સ તેમજ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સુરતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન કરશે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની મહેસાણા અને રાજકોટ ખાતે બે આવૃત્તિઓ સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે, અને સુરત (દક્ષિણ ગુજરાત) ખાતેનું આયોજન ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વેગ આપવા અને વિવિધ જ્ઞાન આધારિત સેમિનાર, બીટુબી અને બીટુજી મીટિંગો વગેરે દ્વારા નવી તકો થકી એમએસએમઈને આગળ વધારવાના પ્રયત્નોને ખૂબ ઊંચાઈ પર લઈ જશે.

વીજીઆરસીની સાથે યોજાનારી ઈવેન્ટ્સ

* ઉદ્યમી મેળો: 21 સરકારી વિભાગો સાથેનું એકીકૃત પ્લેટફોર્મ, જ્યાં માર્ગદર્શન, એમએસએમઈ લોન માહિતી અને બિઝનેસ સપોર્ટ સેવાઓ ઉપલબ્ધ રહેશે
* રિવર્સ બાયર-સેલર મીટ:  એફઆઈઈઓ દ્વારા આયોજિત, જેમાં 45 થી વધુ આંતરરાષ્ટ્રીય આયાતકારો અને સ્થાનિક વેચાણકારો વચ્ચે 5,000 થી વધુ વ્યાપારી મીટિંગ્સ યોજાશે
* મહિલા સશક્તિકરણ: મહિલા કલા અને હસ્તકલા મહોત્સવ તેમજ આજીવિકા પેવેલિયન દ્વારા રાજ્યભરના સ્વ-સહાય જૂથોના ઉત્પાદનોનું પ્રદર્શન—‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
* સ્વદેશી હાટ: ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળના ઉત્પાદનો અને પુરસ્કાર વિજેતા કારીગરોની રજૂઆત
* મેંગો ફેસ્ટિવલ (ઉદ્ઘાટન આવૃત્તિ): ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ સાથે સહયોગમાં પ્રદેશની કૃષિ વૈવિધ્યતાને ઉજાગર કરતું વિશેષ આકર્ષણ