નવી દિલ્હીઃ તાજેતરમાં રૂની આયાત સામે લાદવામાં આવતી 11 ટકા જકાતમાં ઘટાડો કરવા અથવા તો જકાત દૂર કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે અને સંબંધિત મંત્રાલય આ સંદર્ભે નિર્ણય લેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ટેક્સ્ટાઈલ ઉદ્યોગે કાચા રૂના ભાવમાં થયેલા વધારાને કારણે સ્થાનિક કંપનીઓ પર વધેલા ભાવલક્ષી દબાણ અને ક્ષેત્રની સલામતી માટે રૂની આયાત સામે લાદવામાં આવતી 11 ટકા જકાત દૂર કરવા સરકારને અનુરોધ કર્યો હતો.
અત્રે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ બાબતે આંતર પ્રધાનમંડળીય સંબોધનમાં ટેક્સ્ટાઈલ મંત્રાલયના વેપાર બાબતના સલાહકાર બિપીન મેનને જણાવ્યું હતું કે રૂની આયાત જકાત અંગે અમે ડિપાર્ટમેન્ટ ઑફ રેવેન્યુ સાથે તેમાં ઘટાડો શક્ય છે કે નહીં તે દિશામાં કાર્ય કરી રહ્યા છીએ. ખાસ કરીને ડ્યૂટી ઘટાડા અથવા તો ડ્યૂટી દૂર કરવા માટે કૃષિ, ટેક્સ્ટાઈલ અને ડિપાર્ટમેન્ટ ઑફ રેવેન્યુ સંયુક્તપણે આ અંગે ચર્ચા કરીને નિર્ણય લેશે. તેમ જ આ મોસમ પૂરતો આ નિર્ણય લઈ શકાય કે કેમ એ અંગે પણ બન્ને મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટ ઑફ રેવેન્યુ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રાલય વિસ્કોસ ચેઈન માટેના ઈન્પૂટ ગણાતા રેયોન ગે્રડના વુડ પલ્પ પરની 2.50 ટકા કસ્ટમ ડ્યૂટી દૂર કરવા વિચારણા કરી રહ્યું છે. આ ઉપરાંત અમે ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સને એક્સપોર્ટ રેમિસન્સ સ્કીમ અંગે લેખિતમાં જાણ કરીને આરઓડીટીઈપી (રેમિસન્સ ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ) અને આરઓએસસીટીએલ (રિબેટ ઑફ સ્ટેટ ઍન્ડ સેન્ટ્રલ લેવીઝ ઍન્ડ ટેક્સીસ)ના સંદર્ભમાં અમુક ભલામણ કરી છે.
અમે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડને આરઓડીટીઈપી હેઠળ જ્યાં વળતરના દર ઘટાડીને 50 ટકા કરવામાં આવ્યા છે તેમાં વધારો કરવા, પુનઃ યથાવત્ રાખવાની ભલામણ કરી હતી અને તે અધિકૃત સત્તાવાળા સમક્ષ વિચારણા હેઠળ હોવાનું મેનને ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઈલ મંત્રાલય નિયમિતપણે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને ટેક્સ્ટાઈલ તથા હેન્ડિક્રાફ્ટ્સ ક્ષેત્રના હિસ્સેધારકો સાથે સલાહમસલત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સૌપ્રથમ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ, પ્રાદેશિક સંગઠનો અને સ્થાનિક સંગઠનોનો સંપર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત મંત્રાલય ડીજી શિપિંગ, ઑથોરિટી અને પેટ્રોલિયમ તથા ગૅસ મંત્રાલય સાથે પણ સંપર્કમાં છીએ.
ડીજી શિપિંગ દ્વારા આપવામાં આવેલ જેદ્દાહ સહિતનાં વૈકલ્પિક બંદરો અંગેની એડવાઈઝરી અમે હિસ્સેધારકોને વિતરીત કરી છે. તેમ જ ઉદ્યોગને ઈંધણ અને કુદરતી ગૅસના પુરવઠાની બાંયધરી માટે મંત્રાલય હિસ્સેધારકો સાથે સંપર્કમાં છે.