અમદાવાદઃ ગુજરાતના ડાયાબિટીસની કેપિટલ કહેવાય છે. રાજ્યમાં ડાયાબિટીસની દવાના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં એન્ટી ડાયાબિટીસ દવાઓનું મૂવિંગ એન્યુઅલ ટોટલ (MAT) માર્ચ 2026 માં ₹1,196 કરોડ પર પહોંચ્યું હતું, જે માર્ચ 2024 ના ₹962 કરોડની સરખામણીએ બે વર્ષમાં 25% નો વધારો દર્શાવે છે. જ્યારે ડાયાબિટીસની દવાઓના વેચાણમાં વાર્ષિક વૃદ્ધિ સરેરાશ 13% ની આસપાસ હતી. આ ઉપરાંત જાન્યુઆરી-માર્ચ 2026 ના ત્રિમાસિક ગાળામાં અગાઉના વર્ષોના સમાન ગાળાની સરખામણીમાં 20%-22% નો તીવ્ર ઉછાળો નોંધાયો હતો.
ગુજરાતના દવાઓના વેચાણના વિશ્લેષણ પર આધારિત ડેટા મુજબ, 5 મહિનાના સમયગાળા દરમિયાન એન્ટી-ડાયાબિટીક સેગમેન્ટમાં માસિક ₹83 કરોડથી ₹109 કરોડનું વેચાણ નોંધાયું હતું. ગુજરાતમાં એકંદરે વૃદ્ધિ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ રહી હતી. ફાર્માસિસ્ટ અને નિષ્ણાતો વેચાણમાં થયેલા આ વધારા માટે માત્ર કેસોમાં વધારો અને નિદાનમાં સુધારો જ નહીં, પરંતુ GLP-1 થેરાપીની વધતી માંગને પણ જવાબદાર માને છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂલ્યની દૃષ્ટિએ, લગભગ ₹23,000 કરોડના એન્ટી-ડાયાબિટીસ માર્કેટની સરખામણીમાં GLP-1 હજુ પણ ₹1,600 કરોડની આસપાસ નાનું છે. મુખ્ય તફાવત એ છે કે પ્રીમિયમ કિંમતોને કારણે GLP-1 માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. વેચાણના જથ્થાની દૃષ્ટિએ, તેનું કદ હજુ પણ નોંધપાત્ર રીતે નાનું છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, વેચાણમાં થયેલો ઉછાળો આંશિક રીતે ભારતમાં હવે ઉપલબ્ધ એન્ટી ડાયાબિટીસ દવાઓની વધતી જતી રેન્જને કારણે પણ છે. બે અથવા વધુ દવાઓવાળી કોમ્બિનેશન થેરાપીનો વધતો ઉપયોગ પણ પ્રિસ્ક્રિપ્શનમાં વધારો કરી રહ્યો છે. કારણ કે તે દર્દીઓ માટે વધુ અસરકારક અને અનુકૂળ બંને છે.