(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ચિંતાજનક રીતે પાણીની સપાટીમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. પાણીની ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને ૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપનો સામનો કરી રહેલા મુંબઈગરાના માથા પર વધુ ૧૦ ટકા પાણીકાપ લાદવામાં આવે એવી શકયતા છે. મુંબઈનો ઉપલબ્ધ પુરવઠો ૨૦ ઓગસ્ટ સુધી ચાલી શકે છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા વધારાના અનામત સ્ટોક સહિત ૧૦ ટકા પાણીકાપને ધ્યાનમાં લેવામાં આવે છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ જૂનના છેલ્લા અઠવાડિયામાં અપેક્ષિત વરસાદ નહીં પડે તો જુલાઈના પહેલા અઠવાડિયાથી વધારાનો ૧૦ ટકા પાણીકાપ લાદવામાં આવશે.
ચોમાસું ૨૫ મે બાદ મુંબઈમાં એન્ટ્રી કરે એવી શકયતા છે પણ પાલિકાના અધિકારીઓએ એવો સંકેત આપ્યો છે કે જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો પાણી કાપ વધારવાની યોજના છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, ૨૫ જૂનની આસપાસ ચોમાસાની પ્રવૃત્તિ મજબૂત થવાની ધારણા છે. જોકે પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ પ્રતિબંધો અંગે નિર્ણય લેતા પહેલા પાલિકા વરસાદ અને જળાશયોના સંગ્રહ પર નજીકથી નજર રાખશે.
આ અગાઉ ૨૦૦૯માં નબળા ચોમાસા દરમ્યાન મુંબઈમાં છેલ્લે છેલ્લે પાણીના નોંધપાત્ર રેશનિંગનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાએ રેસિડેન્શિયલ પાણી પુરવઠામાં ૧૫ ટકાનો કાપ લાદયો હતો. તો વેપારી સંસ્થાઓ, મોલ, ઉત્પાદન એકમો અને ઉદ્યોગો સહિત બિન-રહેણાંક ગ્રાહકોને ૩૦ ટકાથી ૫૦ ટકા સુધીના કાપનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસા પછી પણ કેટલાક પ્રતિબંધો યથાવત રહ્યા હતા.
આ વર્ષે પાલિકાએ ૧૫ મે થી ૧૦ ટકા પાણી કાપ લાગુ કર્યા બાદ વરસાદ ખેંચાઈ જતા છેવટે ૧૭ જૂનથી ઔદ્યોગિક વપરાશકર્તાઓને પાણી પુરવઠામાં વધારાનો ૨૦ ટકા કાપ જાહેર કર્યો હતો. જૂનના અંતમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. હવામાન વિભાગે ૨૫ જૂન પછી વરસાદની પ્રવૃત્તિમાં સુધારો થવાની આગાહી કરી છે, ત્યારે પાલિકા જળાશયોમાં રહેલા પાણીના જથ્થાનું મૂલ્યાંકન કરશે.
જળાશયોમાં માત્ર ૯.૬૭ ટકા પાણી બચ્યું
મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૧૪ લાખ ૪૭ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો આખું વર્ષ પાણીપુરવઠો કરવા માટે આવશ્યક છે. ૧૮ જૂનના સાતેય જળાશયોમાં ૧,૩૯,૯૯૬ મિલ્યન લિટર એટલે કે ૯.૬૭ ટકા પાણીનો સ્ટોક હતો. ગયા વર્ષે આ સમયે જલાસયોમાં ૧,૪૭,૪૮૮ મિલ્યન લિટર એટલે કે ૧૦.૧૯ ટકા અને ૨૦૨૪માં તો આ સમયે જળાશયોમાં માત્ર ૭૭,૩૬૪ મિલ્યન લિટરે એટલે કે ૫.૩૫ ટકા જેટલું પાણી બચ્યું હતું.
રિઝર્વ સ્ટોકનો ઉપયોગ થશે
જળાશયોમાં પાણીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે, તેની સામે વરસાદ હજી લંબાઈ જાય તો ભાતસા અને અપર વૈતરણા બંધમાંથી રિઝર્વ સ્ટોકનું પાણી ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી ભાતસામાંથી એક લાખ ૪૭ હજાર મિલ્યન લિટર અને અપર વૈતરણામાંથી ૯૦,૦૦૦ મિલ્યન લિટર પાણીનો સ્ટોક ઉપલબ્ધ થવાનો છે. તેથી કુલ ૨ લાખ ૩૭ હજાર મિલ્યન લિટર પાણી ઉપલબ્ધ થવાનું છે. આ પાણીનો સ્ટોક ૨૭ ઓગસ્ટ સુધી ચાલશે એટલો છે.