(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં નિયમોનો ભંગ કરીને બસ સ્ટોપ નજીક પાર્ક કરવામાં આવેલાં વાહનો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશમાં બે સપ્તાહ દરમિયાન આ રીતે ગેરકાયદે પાર્ક કરાયેલાં 26 હજારથી વધુ વાહનો સામે કાર્યવાહી કરી 10.51 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બેસ્ટના બસ સ્ટોપથી અંદાજે 15 મીટર સુધી કોઈ પણ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટોપ પર બસ સહેલાઈથી ઊભી રહી શકે અને ત્યાંથી પસાર થઈ શકે તે માટે આ નિયમ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં અનેક વાહનચાલકો દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
બસ સ્ટોપને અડીને વાહન પાર્ક કરવાને કારણે ઘણી વાર પ્રવાસીઓને બસમાં ચડ-ઊતર કરવામાં પણ ખાસ્સી મુશ્કેલી પડે છે. એ સિવાય સ્ટોપ પર બસ ઊભી રહી શકતી ન હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. પરિણામે ટ્રાફિક પોલીસ દ્વારા આવાં વાહનો પર કાર્યવાહી કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
23 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન હાથ ધરાયેલી આ ઝુંબેશમાં મુંબઈના વિવિધ બસ સ્ટોપ નજીક નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ક કરવામાં આવેલાં 26,462 વાહન પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાહનો સામે 10,51,600 રૂપિયાનાં ઈ-ચલાન લાગુ કરાયાં હતાં. મોટર વેહિકલ ઍક્ટની જોગવાઈ અને સંબંધિત નિયમ અનુસાર ઈ-ચલાન દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનધારકો પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી હોવાનું પણ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.