Tue Jul 07 2026

Logo

મોસમનો ૫૩.૬૫ ટકા વરસાદ વરસી ગયો

2026-07-07 10:01:00
Author: Sapna Desai
Article Image

૭૭ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા અનેક ઝાડ તૂટી પડ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મોડે મોડે આવેલા  વરસાદે જુલાઈ મહિનામાં તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં મુશળધાર વરસાદને પગલે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં જ મુંબઈનો ચોમાસાનો સરેરાશ ૫૩.૬૫ ટકા વરસાદ વરસી ગયો છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં શહેરમાં ૧૨ ઈંચ પૂર્વ ઉપનગરમાં સાડા પંદર ઈંચ અને પશ્ર્ચિમ ઉપનગરમાં  ૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે.  આ રેકોર્ડ બ્રેક  વરસાદની સાથે જ ૭૦થી ૮૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોને કારણે સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી.  

મુંબઈમાં રવિવાર મોડી રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદે ફરી એક વખત મુંબઈગરાને બાનમાં લીધા હતા. વરસાદની તીવ્રતાને પગલે સોમવારના ઓરેન્જ અલર્ટને  રેડમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. સવારના સમયે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. ભારે વરસાદને પગલે વિમાન સેવાને અસર થઈ હતી. ટ્રાફિક જૅમની સાથે રેલવે સેવાને પણ ફટકો પડ્યો હતો.  ભારે વરસાદની ચેતવણીને પગલે સરકારી અને ખાનગી કંપનીઓમાં બપોર બાદ રજા આપી દેવામાં આવી હતી. કલાકના ૭૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા પવનોને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડવાની ઘટના પણ બની હતી. હવામાન વિભાગે આજે પણ મુંબઈ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે  વરસાદની આગાહી કરી છે.

આ દરમ્યાન મુંબઈમાં સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોલાબામાં ૧૨૮ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૧૫૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. પાલિકાના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસમાં શહેરમાં ૩૦૦ મિ.મી (૧૨ ઈંચ), પૂર્વીય ઉપનગરમાં ૩૮૦ મિ.મી (સાડા પંદર ઈંચ), અને પશ્ર્ચિમી ઉપનગરમાં ૩૪૫ મિ.મી. (૧૪ ઈંચ) વરસાદ નોંધાયો છે.  આ રેકોર્ડ બ્રેક  વરસાદની સાથે જ ૭૦થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનોને કારણે સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ મુંબઈમાં છ જુલાઈ સુધીમાં મોેસમનો સરેરાશ ૫૩.૬૫ ટકા વરસાદ પડી ગયો છે, જેમાં  શહેરમાં ૫૩.૫૮ ટકા અને ઉપનગરમાં ૫૨.૩૯ ટકા વરસાદનો સમાવેશ થાય છે.

ભારે પવનને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવા, શોર્ટ સર્કિટ, જોખમી અને જર્જરિત બિલ્િંડગના ભાગ તૂટી પડવાના બનાવ બન્યા હતા.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પણ પાલિકાના દાવા મુજબ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે ઉચ્ચ ક્ષમતાવાળા પંપ બેસાડવાને કારણે પાણી ભરાઈ રહેવાનો સમય ઘટી ગયો હતો. 

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ભારત હવામાન વિભાગે મુંબઈ માટે સતત ત્રણ દિવસ, શનિવાર (૪ જુલાઈ), રવિવાર (૫ જુલાઈ) અને સોમવાર (૬ જુલાઈ, ૨૦૨૬) માટે રેડ અલર્ટ જાહેર કર્યું હતું. ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણીને ધ્યાનમાં રાખીને પાલિકાએ  સમગ્ર સિસ્ટમને હાઇ અલર્ટ પર રાખી હતી. 

સોમવાર માટે અગાઉ ઓરેન્જ અલર્ટ હતું તેને અપગ્રેડ કરીને રેડ કરવામાં આવતા  ભારે વરસાદ અને તોફાની પવનોની ચેતવણીને પગલે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સોમવારના  મુંબઈમાં સરકારી, ખાનગી અને પાલિકાની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે મંગળવાર, ૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે. તેણે એવી પણ આગાહી કરી છે કે તોફાની પવન ફૂંકાશે.