Tue Jul 07 2026

Logo

મુંબઈને ડૂબતી બચાવવા પંપિંગ સ્ટેશનની સાથે ૫૪૦ પંપે વરસાદી પાણીનો નિકાલ કર્યો

2026-07-07 09:43:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરસાદે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈને બાનમાં લીધું છે, તેમાં રવિવાર અને સોમવાર રેડ અલર્ટની ચેતવણી હોઈ બે દિવસ સતત ભારે વરસાદ રહ્યો હતો ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પંપિંગ સ્ટેશનની સાથે જ નીચાણવાળા વિસ્તારમાં બેસાડવામાં આવેલા ૫૪૦ પંપે વરસાદી પાણીનો નિકાલ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.

ભારે વરસાદ દરમ્યાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિને અસરકારક રીતે દૂર કરવા માટ પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા  મુંબઈ શહેર અને ઉપનગરોમાં વિવિધ સ્થળોએ કુલ ૫૪૭ પંપ બેસાડયા છે.  આમાંથી રેડ અલર્ટના સમયગાળા દરમ્યાન એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં જરૂરિયાત મુજબ ૫૪૦ પંપને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે એકઠા થયેલા વરસાદી પાણીને આ લિફ્ટિંગ પંપોની મદદથી નજીકની ગટરો અને વરસાદી પાણીના સંગ્રહ ચેનલોમાં ઝડપથી છોડવામાં આવ્યું હતું. 

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા  મુજબ મુંબઈમાં સતત ત્રણ દિવસ સુધી રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હોવા છતાં આનાથી વરસાદી પાણીનો ઝડપી અને અસરકારક નિકાલ કરવામાં મદદ મળી હતી. પરિણામે નીચાણવાળા વિસ્તારોના નાગરિકો તેમજ આ માર્ગો પર મુસાફરી કરતા મુંબઈકરોને મોટી રાહત મળી અને ઘણી જગ્યાએ સામાન્ય જનજીવન જળવાઈ રહ્યું હતું. 

અધિકારીના જણાવ્યા મુજબ  આ વર્ષે સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ  દ્વારા હાથ ધરવામાં આવેલા વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની સફાઈ અભિયાન, નવી બનાવેલી સ્ટોર્મ વોટર પાઈપલાઈન, તેમજ જર્જરિત અને ક્ષતિગ્રસ્ત પાઈપલાઈનના મજબૂતીકરણના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા હતા. આના કારણે, એવું જોવા મળ્યું કે ભૂતકાળમાં પાણી ભરાઈ જતા ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરેલમાં હિંદમાતા, ગાંધી માર્કેટ અને મિલન સબવે પર વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકીઓ બનાવવામાં આવી છે અને ત્યાંથી પંપની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે. આને કારણે, આ સ્થળોએ ટ્રાફિકમાં કોઈ અવરોધ નિર્માણ થયો નહોતો.
ઇર્લા (જુહુ), હાજી અલી (મહાલક્ષ્મી), લવગ્રોવ (વરલી), ક્લેવલેન્ડ (વરલી ગામ), બ્રિટાનિયા (રે રોડ) અને ગઝદરબંધ (સાંતાક્રુઝ) ખાતેના પંપિંગ સ્ટેશનો સમગ્ર સમયગાળા દરમ્યાન ચોવીસ કલાક કાર્યરત રાખવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને ભરતી દરમિયાન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાંથી  ગુરુત્વાકર્ષણ દ્વારા વરસાદી પાણીને સમુદ્રમાં છોડવું શક્ય નથી. આવી સ્થિતિમાં આ અત્યાધુનિક પપિંગ સ્ટેશનોમાં ઉચ્ચ-ક્ષમતાવાળા પંપિંગ સેટની મદદથી જમા થયેલા  વરસાદી પાણીને ઝડપથી સમુદ્રમાં છોડવામાં આવતું હતું.

ભારે વરસાદ અને ભરતીની બેવડી પડકારજનક પરિસ્થિતિઓ દરમ્યાન પણ આ પમ્પિંગ સ્ટેશનોના અવિરત અને કાર્યક્ષમ સંચાલનથી ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું ઘણું ઓછું થયું છે. પરિણામે વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં મદદ મળી, ટ્રાફિક વ્યવસ્થા શક્ય તેટલી ઝડપી  રાખવામાં મદદ મળી અને નાગરિકોને સંભવિત અસુવિધા ઘટાડવામાં મોટી સફળતા મળી હતી. ખાસ કરીને સતત ત્રણ દિવસના ભારે વરસાદ દરમ્યાન આ વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થામાં આ પંપિંગ સ્ટેશનોએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અસરકારક ભૂમિકા ભજવી હતી.

એકે દિવસ રેલવે સેવા ઠપ્પ ના થઈ
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈની લાઈફલાઈન ગણાતી  ઉપનગરીય રેલવે સેવા ભારે વરસાદ દરમ્યાન પણ અવિરત ચાલુ રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે પાલિકા પ્રશાસને  રેલવે વહીવટીતંત્ર સાથે સંકલનમાં તૈયારીના ભાગ રૂપે, વિવિધ સંવેદનશીલ રેલ્વે વિસ્તારોમાં ઉચ્ચ ક્ષમતાવાળા પપિંગ સેટ (પંપ) તહેનાત કર્યા હતા. એ ઉપરાંત રેલવે લાઇન પરના ગટર, બંધ વરસાદી પાણીની ચેનલો, કલ્વર્ટ, કેરેજવે અને કલ્વર્ટને સમયાંતરે સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યા હતા જેથી કાંપ, કચરો અને અવરોધો દૂર થાય. આને કારણે, વરસાદી પાણીનો પ્રવાહ અવિરત અને સુગમ રહ્યો. આ નિવારક પગલાંના અસરકારક અમલીકરણ અને તાત્કાલિક પ્રતિભાવ તંત્રને કારણે ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ પાણી ભરાવાની શક્યતા હોવા છતાં રેલવે લાઇનો પર પાણી ભરાવાની ઘટનાઓને અસરકારક રીતે નિયંત્રિત કરવી શક્ય બની હતી. પરિણામે મધ્ય રેલવે, પશ્ર્ચિ રેલવે અને હાર્બર રેલવે લાઇનો પર ઉપનગરીય રેલવે સેવાઓ મોટા પ્રમાણમાં વિક્ષેપ વિના ચાલુ રહી હતી.