(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રેલવે સ્ટેશનના પરિસરમાં ગેરકાયદે યા પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રતિબંધિત વસ્તુઓના નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરનારી રેલવે પોલીસને તાજેતરમાં 13.83 કરોડ રુપિયાના મૂલ્યનું ચરસ મળતા રેલવે પ્રશાસન હરકતમાં આવી ગયું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અવધ એક્સપ્રેસ (19038)ના જનરલ કોચમાંથી લગભગ 13.83 કરોડ રુપિયાના મૂલ્યનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. શનિવારના વહેલી સવારના મળેલો માદક જથ્થો બિનવારસ બેગમાં હતો. અવધ એક્સપ્રેસ પ્લેટફોર્મ ચાર નંબર આવી ત્યાર પછી તેમાં રુટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શંકાસ્પદ બેગની તપાસ કરતા ચરસ નીકળ્યું
ટ્રેન આવ્યા પછી સવારના છ વાગ્યાના સુમારે ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ચેક (ઈએમસી) ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાર પછી કોન્સ્ટેબલ મુકેશ મંગવા અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારી અલ્તાફે ટ્રેનના જનરલ કોચમાં બ્લેક બેગ જોઈ હતી. જનરલ સેકન્ડ ક્લાસના કોચમાં બેગ બિનવારસ હાલતમાં મળતા રેલવે પોલીસ કચેરીમાં લઈ જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. આરપીએફ અને જીઆરપીની સંયુક્ત કાર્યવાહીમાં જાણવા મળ્યું કે બેગમાંથી મળેલ પ્રતિબંધિત વસ્તુ હોવાનું જણાયું હતું. જોકે, એનડીપીએસ અને અંધેરીની એફએસએલની ટીમની હાજરીમાં 31 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા.

13.834 કિલોગ્રામનો માદક પદાર્થ જપ્ત
જથ્થાની તપાસ માટે ડોગ સ્ક્વોડ સહિત ફોરેન્સિક ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યાર પછી સવા સાત વાગ્યાના સુમારે સ્પષ્ટ થયું હતું કે બેગમાં પ્રતિબંધિત જથ્થો છે. જોકે, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બેગમાં ચરસનો જથ્થો હોવાનું આરપીએફના ડોગ 'ટેંગા' અને રેલવે પોલીસના ડોગ 'રોકી' નામના ડોગીએ માદક પદાર્થ હોવાના સંકેત આપ્યા હતા. બેગમાંથી 31 જેટલા બ્રાઉન ટેપથી રેપ કરેલા પેકેટમાં કાળા રંગનો ચરસનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. આ મટીરિયલનું કુલ વજન 13.834 કિલોગ્રામ છે.
'ઓપરેશન નાર્કોસ' અન્વયે મોટી કાર્યવાહી
'ઓપરેશન નાર્કોસ' અન્વયે રેલવે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલા જથ્થાનું કુલ માર્કેટ વેલ્યુ રુપિયા 13,83,40,000 છે. રેલવે પોલીસને વધુ કાર્યવાહી કેસ નોંધીને બાંદ્રા જીઆરપીને સોંપવામાં આવ્યો છે. હાલમાં રેલવે પોલીસે અજાણી વ્યક્તિ સામે એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અન્વયે સેક્શન 8 (સી) અને 20 (બી) (ii) (સી) અન્વયે કેસ નોંધ્યો છે, જ્યારે આ જથ્થો ક્યાંથી અને કોના માટે છે એની તપાસ હાથ ધરવામાં આવી છે, એમ બાંદ્રા પોલીસે જણાવ્યું હતું.