Wed Aug 19 2026

Logo

ઓફિસમાં પૂંઠાં ભરેલી બે બેગ પધરાવીને નોકર 1.20 કરોડ રૂપિયા સાથે રફુચક્કર તેના ભાઇની રાજસ્થાનથી ધરપકડ: 1.16 કરોડ હસ્તગત કરાયા

2026-08-17 19:28:00
Author: Yogesh D. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં આવેલી ઓફિસમાં પૂંઠાં ભરેલી બે બેગ પધરાવીને 1.20 કરોડ રૂપિયા સાથે રફુચક્કર થયેલા નોકરની શોધ ચલાવી રહેલી પોલીસે રાજસ્થાનથી તેના ભાઇની ધરપકડ કરી હતી. નોકરે તેના ભાઇ સાથે મળી કાવતરું ઘડ્યા બાદ ગુનો આચર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. ફરાર નોકરની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પાયધુની પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ યુવરાજસિંહ વસંતસિંહ દેવડા (24) તરીકે થઇ હોઇ તે રાજસ્થાનના સિહોરીનો રહેવાસી છે. તેની પાસેથી 1.16 કરોડ રૂપિયા હસ્તગત કરાયા હતા, એમ પોલીસે કહ્યું હતું.

આ કેસના ફરિયાદીએ 8 ઑગસ્ટ, 2026ના રોજ તેમની બીજી ઓફિસમાંથી 1.20 કરોડ રૂપિયા લાવવાનું કામ નોકર પીરસિંહ દેવડાને સોંપ્યું હતું. પીરસિંહ બીજી ઓફિસમાં ગયો હતો અને તેને રોકડ ભરેલી બે બેગ સોંપવામાં આવી હતી. જોકે તેણે બેગમાંથી રૂપિયા કાઢી લીધા હતા અને તેની જગ્યાએ પૂંઠાં ભરી દીધાં હતાં. પૂંઠાં ભરેલી બેગ તેણે ઓફિસમાં આવી ફરિયાદીને સોંપી હતી અને બાદમાં તે રફુચક્કર થઇ ગયો હતો. 

દરમિયાન બેગમાંથી રૂપિયાને બદલે પૂંઠાં નીકળતાં પીરસિંહનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. પીરસિંહ રૂપિયા લઇ પલાયન થયો હોવાની ખાતરી થતાં ફરિયાદીએ 10 ઑગસ્ટે પાયધુની પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પીરસિંહ દેવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો. 
પોલીસ ટીમે સીટીવીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ઘટનાસ્થળ અને બાદમાં ગુજરાત જઇને તપાસ કરી હતી, જેમાં પીરસિંહે તેના સગા ભાઇ યુવરાજસિંહ સાથે મળીને કાવતરું ઘડ્યા બાદ ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ટીમ બાદમાં રાજસ્થાન પહોંચી હતી અને યુવરાજસિંહને ઝડપી પાડીને 1.16 કરોડ રૂપિયા હસ્તગત કર્યા હતા.